Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગ્લોબલ વોર્મિંગના કારણે માઉન્ટ એવરેસ્ટ પર ઉગ્યું ઘાસ

ઇંગ્લેન્ડની યુનિવર્સિટીના રિસર્ચનું તારણ : પુરનું જોખમ વધશે

લંડન, તા.૧૧ : માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયની ટ્રી લાઇન અને સ્નોલાઇન વચ્ચે ઘાસ અને ઝાડીઓ સતત ઉગી રહી છે આનુ કારણ ગ્લોબલ વોર્મિંગને માનવામાં આવી રહ્યું છે. એવરેસ્ટ અને હિમાલય ધરતી પરના એવા સ્થળો છે જે સૌથી વધુ ઝડપે ગરમ થઇ રહ્યા છે. આના કારણે હિંદુકુશ ક્ષેત્રમાં પુરનું જોખમ વધી ગયું છે. વૈજ્ઞાનિકોએ તે વિસ્તારમાં ઉગેલી ઝાડીઓ-ઘાસની આ વિસ્તારની પરિસ્થિતિઓ પર પડનાર પ્રભાવને ઉપગ્રહના ડેટા દ્વારા જાણ્યો હતો.

વૈજ્ઞાનિકો અનુસાર, તેનાથી આ વિસ્તારના જળવિજ્ઞાનને અસર થઇ શકે છે. હિમાલયમાંથી એશિયાની ૧૦ મોટી નદીઓ નિકળે છે, જે લગભગ ૧૪૦ કરોડ લોકોને પાણી પુરૂ પાડે છે. ઇંગ્લેન્ડની એકસેટર યુનિવર્સિટીના રિસર્ચરોએ નાસાના લેન્ડસેટ ઉપગ્રહો દ્વારા આ વિસ્તારની ૧૯૯૩ થી ર૦૧૮ દરમ્યાન લેવાયેલી તસ્વીરોનો અભ્યાસ કર્યો. યુનિવર્સિટીના પર્યાવરણ અને સ્થિરતા સંસ્થાના ડોકટર કરેન એન્ડરસન અનુસાર જયાં મોસમી બરફ જામે છે તેને સબવેનિવલ જોન કહેવાય છે. જો તે ગરમ થાય તો બરફ જલ્દી ઓળશે અને પુરનું જોખમ વધી જશે.

અન્ય એક રિસર્ચ અનુસાર ર૦૦૦થી ર૦૧૬ની વચ્ચે બરફ ઘટવાનો દર બમણો થઇ ગયો હતો. આખી સદીમાં બરફમાં ઘટાડો ઝડપભેર થયો છે. જયારે છેલ્લા ચાર દાયકામાં હિમાલયનો એક ચતુર્થાસ બરફ ઓગળી ગયો છે.

પર્વતોમાં જયાં સુધી વૃક્ષો હોય તે ઉંચાઇ જેના પછી ફકત બરફ જ બરફ હોય છે. આ બંને જગ્યાઓની વચમાં ઘાસના મેદાન હોય છે. આ ઘાસના મેદાન જો સતત વધી રહ્યા હોય તો જાણી શકાય છે કે ત્યાંનું ઉષ્ણાતામાન વધી રહ્યું છે.

(3:30 pm IST)