Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

તિબેટમાં માનવાધિકારનું થયું ઉલ્લંઘન:અમેરિકાએ ચીનના બે અધિકારીઓ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: તિબેટમાં માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનને લઈને અમેરિકાએ ચીનના બે વરિષ્ઠ અધિકારીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમાં તિબેટમાં ચીનના મુખ્ય અધિકારી વુ યિંગજી અને હિમાલય વિસ્તારમાં ચીનના પોલીસ વડા ઝાંગ હોંગબોનો સમાવેશ થાય છે. તેમના પર કેદીઓની યાતના અને હત્યા અને બળજબરીથી નસબંધી કરાવવા જેવા ગુનાઓમાં સામેલ હોવાનો આરોપ છે. વુ યિંગજી 2016 થી 2021 સુધી તિબેટમાં અગ્રણી ચીની અધિકારી હતા. પ્રતિબંધો હેઠળ, યુએસએ બંને ચીની અધિકારીઓની કોઈપણ યુએસ સંપત્તિ અને ગુનાહિત વ્યવહારો ફ્રીઝ કરી દીધા છે. યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ક્રિયાઓનો ઉદ્દેશ્ય તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રમાં ધાર્મિક લઘુમતી જૂથના સભ્યોની ચીનની બળજબરીથી અટકાયત અને શારીરિક શોષણને વિક્ષેપિત કરવા અને અટકાવવાનો છે. તે જ સમયે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વુ યિંગજીએ તિબેટમાં માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનની નીતિ લાગુ કરી હતી.  જેમાં ન્યાયવિહિન હત્યાઓ, શારીરિક શોષણ, મનસ્વી ધરપકડ અને સામૂહિક અટકાયતનો સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વુના કાર્યકાળ દરમિયાન અન્ય ગુનાઓમાં બળજબરીથી નસબંધી, બળજબરીથી ગર્ભપાત, ધાર્મિક અને રાજકીય સ્વતંત્રતાઓ પર પ્રતિબંધો અને કેદીઓની યાતનાઓનો સમાવેશ થાય છે. જ્યારે, ઝાંગ તિબેટ પ્રદેશમાં અટકાયત કેન્દ્ર ચલાવવા, કેદીઓને ટોર્ચર કરીને મારી નાખવા અને અન્ય ગંભીર ગુનાઓમાં સામેલ છે. યુએસ પ્રમુખ જો બાઈડન ગયા મહિને બાલીમાં તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને મળ્યા હતા અને બંને નેતાઓ વાતચીતને આગળ વધારવા માટે સંમત થયા હતા. પરંતુ, અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થવા છતાં નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે.

(6:02 pm IST)