Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કન્યાએ ફતવો જાહેર કર્યોઃ લગ્નમાં મહેમાનોએ ઓછામાં ઓછો પ૧,૦૦૦ રૂપિયાનો ડ્રેસ પહેરવો આવશ્યક છે

ન્યુયોર્ક તા. ૧૦: આજકાલ રોયલ લગ્નોની સીઝન છે. બધા જ લગ્નોત્સુકોને પોતાનાં લગ્નનો અવસર યાદગાર, લેવિશ અને એકદમ હટકે હોય એવી રીતે સેલિબ્રેટ કરવો છે. જોકે લકઝુરિયસ અને સ્ટાઇલિશ વેડિંગ-સમારંભો યોજવાની લાયમાં લોકો કેવી-કેવી વિચિત્ર વાતોના ફતવા બહાર પાડે છે એનો દાખલો તાજેતરમાં એક ફેસબુક-પોસ્ટમાં જોઇ શકાય છે. અમેરિકાની એક કન્યાનાં લગ્ન ર૦૧૯માં હવાઇ ટાપુ પર થવાનાં છે. આ કન્યાએ પોતાનાં લગ્ન અત્યંત જાહોજલાલી સાથે કરવાં છે. સ્વાભાવિક રીતે તેણે પોતાના માટે મોંઘીદાટ હોટેલ અને મોંઘીદાટ સજાવટની વ્યવસ્થા કરી છે. જોકે બહેને પોતાનાં લગ્નમાં આમંત્રિત મહેમાનો માટે પણ ડ્રેસકોડ તૈયાર કર્યા છે અને એ ડ્રેસ ઓછયામાં ઓછો પ૧,૦૦૦ રૂપિયાનો હોવો જ જોઇએ એવી શરત રાખી છે. ફેસબુક-પોસ્ટમાં બહેન સ્પષ્ટ લખે છે કે વેડિંગની જગ્યા અત્યંત લેવિશ અને અપમાર્કેટ છે એટલે કોઇએ પ૧,૦૦૦ રૂપિયાથી સસ્તું કંઇ પણ પહેરીને આવી જવું નહીં. તેણે મહેમાનોને તેમના વજન અનુસાર ડ્રેસકોડ આપ્યા છે. સ્ત્રી-પુરૂષને તેમના વજન મુજબ અલગ-અલગ ડ્રેસકોડ અને કલર પહેરીને આવવાનું કહેવાયું છે. બાળકો માટે લાલ રંગનાં કપડાં પહેરવાં ફરજિયાત છે. પાછું બહેન એમાં સ્પષ્ટ લખે છે કે લાલ એટલે લોહી જેવો લાલ રંગ જ હોવો જોઇએ. લાલના બીજા કોઇ જ શેડ નહીં; કેમ કે બાળકોને ઊભાં રાખીને હાર્ટ શેપ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ફેસબુક-પોસ્ટમાં છેલ્લે કોઇ બહાનું ન આપી શકે એ માટે લખ્યું છે કે લગ્ન આવતા વર્ષે છે એટલે તમારી પાસે આ ડ્રેસકોડ મુજબની ખરીદી કરવાનો પૂરતો સમય છે.

(12:10 pm IST)