Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

તાઇવાનની રાજધાની તાઇપેની

ગજબની પોલીસ... ૧૦૦ રૂ.ના દહીંની ચોરી કરનારને પકડવા માટે હજારો રૂપિયા ખર્ચા

તાઈપે તા. ૧૦ : તાઈવાનની રાજધાની તાઈપેનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળીને છક થઈ જવાય. વાત જાણે એમ બની કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ૧૦૦ રૂપિયાનું દહીં ચોરી થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. ત્યારબાદ પોલીસે ચોરને પકડવા માટે ૬ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં. મહિલાએ રિપોર્ટ કર્યો હતો કે હોસ્ટેલમાં રહેતા ૬ લોકોમાંથી કોઈએ એક જણે ફ્રિઝમાંથી દહીં કાઢીને ચોરી કરી લીધુ. દહીં ચોરી થવા અંગે જયારે હોસ્ટેલમાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું તો બધાએ દહીં ખાધુ હોવાની વાતનો ઈન્કાર કરી લીધો. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં તેનો રિપોર્ટ લખાવ્યો.

તાઈવાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા જયારે પોલીસ પાસે દહીંની ચોરીની ફરિયાદ લખાવા માટે પહોંચી તો પોલીસ પણ ફરિયાદ સાંભળીને ચોંકી ગઈ. પહેલા તો પોલીસને લાગ્યું કે આ કોઈ મજાક  છે. પરંતુ જયારે મહિલાએ આ મામલાને ગંભીરતાથી લીધો તો પોલીસે ફરિયાદ નોંધી. કેસ દાખલ કર્યા બાદ પોલીસે જયારે હોસ્ટેલમાં રહેતા ૬ લોકોને દહીં ચોરી અંગે પૂછ્યું તો બધાએ ના પાડી દીધી કે તેમણે દહીં ખાધુ નથી. આ બાજુ પોલીસને દહીના પેકેટ પરથી કોઈ પણ ફિંગરપ્રિન્ટ નથી મળ્યાં.

આવામાં મહિલાએ પોલીસને ફોરેન્સિંક તપાસની સલાહ આપી અને પોલીસે પણ મહિલાની સલાહ માનીને તમામ ૬ના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં. પરિણામના આધારે આરોપીની ધરપકડ થઈ. પરંતુ ડીએનએ ટેસ્ટ માટે પોલીસે ૪૨૦૦૦ રૂપિયા ખર્ચી નાખ્યાં. પોલીસના જણાવ્યાં મુજબ એક મહિલાના ડીએનએ ટેસ્ટમાં તેમણે ૩૦૦૦ તાઈવાની ડોલર ખર્ચ કરવા પડ્યાં. તમામ ૬ લોકો પર ખર્ચ  થયેલી રકમ કુલ ૪૨૦૦૦ રૂપિયા હતી.

આ બાજુ તાઈવાનના લોકોએ પોલીસની આ કાર્યવાહીને પૈસા બરબાદ કરનારી ગણાવી છે. અનેક લોકોનું કહેવું છે કે આ પ્રકારે ૧૦૦ રૂપિયાના દહીં પર ૪૨૦૦૦ રૂપિયા ખર્ચ કરવા એ ખુબ ખોટી વાત છે. લોકોનું કહેવું છે કે પોલીસ આ પ્રકારની ફરિયાદો પર કાર્યવાહી કરીને કરદાતાઓના પૈસા બરબાદ કરી રહી છે.(૨૧.૬)

(9:55 am IST)