Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમેરીકામાં પોલીયો જેવી બિમારીનો ફેલાવોઃ ઈલાજના અભાવે નિષ્ણાંતો મુંઝવણમાં

ભાગ્યે જ જોવા મળતી એક પોલીયો જેવી જ બિમારી અમેરીકામાં પ્રસરી રહી છે અને તેની તપાસમાં લાગેલા આરોગ્ય અધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે.

સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)એ આ વર્ષે અત્યાર સુધીમાં ૨૪ રાજ્યોમાં એકયુટ ફલેસીડ માયેલીટીસ (એએફએમ)ના કુલ ૭૨ કેસ નોંધાયા હોવાનું જણાવાયું છે. સીડીસી અનુસાર નોંધાયેલ કેસના ૯૦ ટકા કેસ ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોના છે. અચાનક હાથ અથવા પગની નબળાઈ, સ્નાયુઓની તાકાત ઘટી જવી, ચહેરાની નબળાઈ અને ગળેથી ખોરાક ઉતારવામાં તકલીફ અથવા બોલવામાં તકલીફ જેવા લક્ષણો ધરાવતા ૧૧૯ દર્દીઓની તપાસ થઈ રહી છે. એએફએમ ગંભીર થવાથી પેરેલીસીસ, શ્વસન ક્રિયા બંધ થવી તથા મોત પણ થઈ શકે છે.

એએફએમ એક બહુ જ ભાગ્યે જ થતો રોગ છે. અમેરીકામાં તે એક લાખ વ્યકિતએ એકને હોઈ શકે છે તેમ ઓડીસીનું કહેવુ છે. ૨૦૧૪ પછી આ રોગ પ્રકાશમાં આવ્યો છે. અમેરીકામાં આ રોગ એકાંતરા વર્ષે ઉછાળો મારે છે. ૨૦૧૪માં ૧૨૦, ૨૦૧૫માં ૨૨, ૨૦૧૬માં ૧૪૯ અને ૨૦૧૭માં ૩૩ કેસ નોંધાયા હતા એમ સીડીસી કહે છે. સીડીસીનું કહેવુ છે કે ૨૦૧૪થી એએફએમની તપાસ ચાલી રહી છે. એએફએમ થવાનું કારણ જાણવુ શકય નથી બની શકયું. પરંતુ, પોલીયો વાયરસ, નોન પોલીયો એન્ટી-વાયરસ, વેસ્ટ નાઈલ વાઇરસ અને એડન વાયરસના ચેપથી આ રોગ થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સીડીસીના ડાયરેકટર નેન્સી મેસોનીયરે જણાવ્યું કે, જ્યાં સુધી અમે જાણી શકીએ નહિં કે એએફએમ કયા કારણે થાય છે, ત્યાં સુધી તેની દવા કેવી રીતે શોધીએ? અમારા ઘણા પ્રયત્નો છતા અમે એએફએમ થવાનું ચોક્કસ કારણ જાણી શકયા નથી. છતા પણ એએફએમના કેસનું કલીનીકલ પિકચર, તેના ભયસ્થાનો અને તે વધવાના કારણોની તપાસ ચાલુ જ છે.

મેસોનીયરે એમ પણ કહ્યું કે આરોગ્ય અધિકારીઓ એ પણ નથી જાણી શકતા કે એએફએમના લાંબાગાળાના ભયસ્થાનો શું છે અને તે કયા પ્રકારના બાળકોને થાય છે.

કોલોરાડો યુનિવર્સીટીના પ્રોફેસર કેનેથ ટેયલર સીડીસીની સલાહકાર સમિતી અને એએફએમથી પીડાતા બાળકોના વાલીઓ સાથે જોડાઈને સીડીસીની ટીકા કરતા સીએનએને જણાવ્યું કે, 'આ સીડીસીએ કરવાનું કામ છે અને તેમણે તે સારી રીતે કરવુ જોઈએ. પણ આપણા બધા માટે તે ચિંતાનો વિષય છે કે તે લોકો તેમનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા.'

સીએનએનના રીપોર્ટમાં જણાવાયુ છે કે, ઘણા બધા કેસની જાણ સીડીસીને કરતી નથી. જેના લીધે આ રોગની ગંભીરતા અને તેનો ચોક્કસ આંકડો નથી મળી શકતો. જો કે મેસોનીયરે જણાવ્યું કે, 'મોટા ભાગના કેસ અમારા ધ્યાનમાં આવે જ છે.'

મેસોનીયરે જણાવ્યું કે ગંભીર રોગોથી બચવા માટેના સામાન્ય પગલા જેવા કે હાથ ધોવા, બધી રસી સમયસર મુકાવવી, મચ્છરોના કરડવાથી બચવુ, જેવા પગલા લેવાની કાળજી બાળકના માતા-પિતાએ લેવી જોઈએ.

(9:46 am IST)