Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રોલર-કોસ્ટરમાં એક પ્રવાસીના ખિસ્સામાંથી આઇફોન પડી ગયો અને પાછળની સીટવાળાએ કેચ કરી લીધો

લંડન તા. ૧૦: સ્પેનના પોર્ટ એડવેન્ચર વર્લ્ડ થીમમાં એક એવી ઘટના ઘટી જે કદાચ આ પહેલાં કદી નહીં થઇ હોય. અહીં જાતજાતની ડરામણી અને રૃંવાડાં ખડાં કરી દે એવી રોલર-કોસ્ટર રાઇડ્સ છે. શંભલા રાઇડ અહીંની સૌથી ડેન્જરસ ગણાય છે. આ રાઇડ ઉપર-નીચે, આડી-અવળી એવી ઘુમે છે કે રાઇડરોનું માથું ચકરી ખાઇ જાય. જોકે આ રાઇડમાં આગળની સીટમાં બેઠેલા સેમ્યુઅલ નામના ભાઇના ખિસ્સામાંથી આઇફોન નીચે સરકી ગયો. રાઇડની થ્રિલમાં એ ભાઇને તો ખબર પણ નહોતી, પરંતુ તેની પાછળની સીટમાં બેઠેલા વ્યકિતને ફોન પડી રહ્યો છે એ દેખાયું. હવાના પ્રવાહને કારણે ખાસ્સો સાઇડમાં એ ફોન પડી રહ્યો હતો અને રાઇડ પર બહુ ઝડપથી ઊંચે જઇ રહી હતી એવામાં ભાઇએ ખાસ્સો લાંબો હાથ કરીને ફોન કેચ કરી લીધો. પહેલાં આંગળીના ટેરવે લાગ્યો અને પછી તેણે પકડ મજબુત કરીને એને ઝીલી લીધો. આ ઘટનાનો વિડિયો યુગલે સીટની આગળ લગાવેલા કેમેરામાં ઝીલાઇ ગયો. જયારે ભાઇસાહેબ નીચે ઉતર્યા અને કોઇકનો આઇફોન મળ્યો છે એ વાતની ખબર પડી ત્યારે સેમ્યુઅલ ભાઇ ખુશ થતા-થતા તેમની પાસે આવ્યા. રાઇડમાં પડી ગયેલો ફોન મળવાની તેને તો આશા જ નહોતી અને જો મળે તો એ સાજો હોય એવી શકયતા પણ નહોતી. ફોન કેચ કરતા આ જાંબાઝ ભાઇનો વિડિયો યુટયુબ પર ખુબ વાઇરલ થયો છે અને ૪૮ લાખથી વધુ વાર જોવાઇ ચૂકયો છે.

(11:27 am IST)