Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

આંખોની હિલચાલથી પર્સનાલિટી પારખી શકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

લંડન તા.૧૦: જર્મનીની યુનિવર્સિટી ઓફ સ્ટુટગાર્ટ અને ઓસ્ટ્રલિયાની ફિલન્ડર્સ યુનિવર્સિટીના સંશોધનકારોએ વ્યકિતની આંખોની હિલચાલો પરથી એના વ્યકિતત્વને પારખી શકે એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિકસાવી છે. માણસના વ્યકિતત્વ અને આંખોના હિલચાલ વચ્ચે સંબંધની ગણતરી કરતા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની શોધ કરી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે માણસની આંખોની હિલચાલ પરથી એ વ્યકિત સામાજિક રીતે મળતાવડી છે કે નહીં, અંતરાત્માના અવાજને અનુસરે છે કે નહીં અને એ વ્યકિતમાં કેટલી જિજ્ઞાસા છે એ બાબતોનો ખ્યાલ આવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નવા એલ્ગરિધમ સોફટવેર દ્વારા વ્યકિતત્વના ચાર મહત્વનાં પાંસા બાબતે જાણવા મળે છે. એ ચાર બાબતોમાં વ્યકિતના સ્વભાવમાં ચીડિયાપણું, બહિર્મુખતા, સંમત થવાની ક્ષમતા અને અંતરાત્માના અવાજને અનુસરવાની ક્ષમતાનો સમાવેશ છે. સંશોધકોએ યુનિવર્સિટી કેમ્પસની આસપાસ ૪૨ જણની રોજિંદી પ્રવૃતિઓ દરમ્યાનની આંખોની હિલચાલોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી તેમની પાસે કેટલાક સવાલોના જવાબો લખાવવામાં આવ્યા હતા. અભ્યાસ દ્વારા આંખોના હલનચલન અને પર્સનાલિટી વચ્ચેના સંબંધ વિશે જાણકારી મળી શકે છે. આ સંશોધન દ્વારા માનવી અને યંત્ર વચ્ચે સંવાદ વધારવાની પણ શકયતા ખુલે છે.

(3:38 pm IST)