Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

તાલિબાને અફઘાનિસ્તાનના વિસ્તારમાં કબ્જો કરતા ચીને 210 નાગરિકોને પાછા બોલાવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં વિદેશી નાગરિકો પર જોખમ વધ્યું છે. તાલિબાની આતંકવાદીઓએ એક પછી એક પ્રદેશો કબજે કરી લીધા છે. એ દરમિયાન ચીને તેના ૨૧૦ નાગરિકોને સ્વદેશ પાછા બોલાવી લીધા હતા. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું હતું કે ૨૧૦ નાગરિકોને લઈને ચીનની ફ્લાઈટ અફઘાનિસ્તાનના પાટનગર કાબુલથી રવાના થઈને બેઈજિંગ પહોંચી હતી. એમાંથી ૨૨ મુસાફરોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમેરિકન લશ્કર પાછું ફરે તે પહેલાં જ ચીન સહિતના વિદેશી નાગરિકો સ્વદેશ પાછા જઈ રહ્યા છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને કહ્યું હતું કે ૩૧મી ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં અમેરિકાનું લશ્કરી ઓપરેશન સત્તાવાર રીતે પૂરું જાહેર કરાશે. એટલે કે તે પહેલાં અમેરિકા તમામ સૈનિકોને પાછા બોલાવી લેશે. જો બાઈડેને સૈન્યની ઘરવાપસી માટે ૯-૧૧ની ડેડલાઈન નક્કી કરી હતી. તે પહેલાં જ બધા જવાનો અમેરિકા પહોંચી જશે. પ્રમુખે કહ્યું હતુંઃ સૈનિકોની ઘરવાપસીનું કામ આયોજનબદ્ધ રીતે અને સલામતીપૂર્વક થઈ રહ્યું છે. મેં એપ્રિલમાં વાયદો કર્યો હતો તેને પૂરો કરી બતાવ્યો છે. આ એક ઐતિહાસિક નિર્ણય હતો.

(6:37 pm IST)