Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

બન્ને હાથ-પગ વિના પણ આ યુવતી પોતાના તમામ કામ જાતે કરે છે

ન્યુયોર્ક તા.૧૦: અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના પિટ્સબર્ગમાં રહેતી ૩૭ વર્ષની એમી બ્રૂકસ નામની યુવતી જન્મી ત્યારે જ તેને બન્ને હાથ અને પગ વિકસ્યા જ નહોતા. કોન્જેનિટલ ટેટ્રાકોફોમેલિયા નામની જન્મગત બીમારી એ માટે કારણભૂત હતી. તેની હાલત જોઇને ખુદ તેના જન્મદાતાએ તેને તરછોડી દીધેલી. જોકે અનેક વિટંબણાઓ વચ્ચે પણ સદા હસતી રહેતી એમીને અનાથાશ્રમમાંથી દત્તક લેનારૃં યુગલ મળી ગયું. આ યુગલે એમીને માત્ર સહારો ન આપ્યો, પણ તેને કોઇનાય સહારાની જરૂર ન પડે એ રીતે સ્વતંત્રપણે જીવન જીવતા શીખવ્યું, ઘરમાં ફર્નિચર અને બીજી તમામ વ્યવસ્થાઓ એ પ્રકારની ડિઝાઇન કરી છે કે  એમી જાતે પોતાનું બંધુ જ કામ કરી શકે છે. હાથ ન હોવા છતાં તે નાહવા, બ્રશ કરવા, ખાવા-પીવાનું કામ પણ જાતે જ કરી લે છે. કેટલીક વાનગીઓ તે જાતે જ રાંધી પણ શકે છે અને હાથ કે આંગળીઓ ન હોવા છતાં ફોટોગ્રાફી પણ કરી લે છે. હાથ-પગની જગ્યાએ તેના શરીર પર ત્રણ-ચાર ઇંચના અવિકસિત હાડકા જ છે. એ હાડકાનો પણ એમી બખૂબી ઉપયોગ કરી લે છે. એ હાડકાંના જોઇન્ટમાં બ્રશ, ચમચી, ડબ્બા-ડબ્બી જેવી કોઇ પણ ચીજ ઊંચકીને તે પોતાનું કામ કરી લે છે. એમીની 'હાઉ ડઝ શી ડુ ઇટ' નામની પોતાની યુટ્યુબ ચેનલ છે. એમાં તે અવારનવાર પોતે કઇ રીતે રોજિંદુ કામ કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાવે છે. નવાઇની વાત એ છે કે મોટાભાગના વિડિયો તે જાતે જ બનાવે છે. ચોક્કસ જગ્યાએ કેમેરા મૂકીને તે પોતાની મૂવમેન્ટ્સ રેકોર્ડ કરી લે છે અને પછી એડિટ કરીને એમાંથી નાના વિડિયો તૈયાર થાય છે. એમી કોઇ પણ કામ કરવા માટે મોં,દાઢી, ખભા અને હાથના ટચૂકડાં હાડકાના ઉપયોગ કરે છે. તેનું કહેવું છે કે, 'પહેલાં મને કેમેરા સામે આવવામાં ખચકાટ થતો હતો, પણ જયારે મને લાગ્યુ કે હું કઇ રીતે કામ કરૂ છું એ બીજા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે ત્યારે મેં એ છોછને બાજુએ મુકી દીધો.

હાથ ન હોવા છતાં તે ઓટોમેટિક સિલાઇમશીની મદદથી સિમ્પલ ચીજો સીવી પણ લે છે. બહાર જવાનું હોય ત્યારે પ્રોસ્થેટિક હાથ લગાવીને એનાથી વ્હીલચેર ઓપરેટ કરે છે. નાનામાં નાનું કામ જાતે કરવા માટે તેણે જે જહેમત ઉઠાવવી પડે છે એ જોઇએ તો સમજાય કે હાથ-પગ ધરાવતા લોકોનું જીવન કેટલું બધું સરળ છે. જીવનના ખૂબ આકરા અનુભવો પછી હવે તેણે ઓટોબાયોગ્રાફી લખવાનું શરૂ કર્યુ છે અને મોટિવેશનલ સ્પીકર તરીકે પણ તે કામ કરે છે.

(3:36 pm IST)