Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નેપાળ : ૧૪ વર્ષની છોકરીને ૧૩ વર્ષના છોકરા સાથે થયો પ્રેમ : લગ્ન કર્યા : ૧ વર્ષમાં માતા બની

છોકરી ચોથામાં અને છોકરો પાંચમામાં ભણતો'તો : બાળકના જન્મની નોંધણી કરાવવા પહોંચ્યા પણ...

કાઠમંડુ તા. ૧૦ : નેપાળમાં એક વિચિત્ર ઘટના ઘટી છે અને નેપાળના સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. એક ૧૪ વર્ષની સગીર યુવતીએ તેનાથી એક વર્ષ નાના પતિ થકી એક બાળકને જન્મ આપ્યો છે. આ યુગલ જયારે 'લગ્ન' અને બાળકના 'જન્મ'ની નોંધણી કરાવવા તંત્ર પાસે પહોંચ્યા તો તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે. અહીંના કાયદા મુજબ આવા કેસમાં નોંધણી કરવાની કોઈ જોગવાઈ નથી.  નેપાળમાં છોકરા અને છોકરીઓના લગ્નની લઘુત્ત્।મ ઉંમર ૨૦ વર્ષ છે. 'ધ હિમાલયન ટાઈમ્સ'ના સમાચાર મુજબ, બાળકના પિતા રમેશ તમાંગની ઉંમર ૧૩ વર્ષ છે અને તેને જન્મ આપનારી માતા પબિત્રા તમાંગની ઉંમર ૧૪ વર્ષની છે. પબિત્રા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને રમેશ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન બંનેને પ્રેમ થઈ જતાં તેમણે અભ્યાસ અધુરો છોડીને પરિણીત જીવન શરૂ કરી દીધું હતું.

તેમના આ સંબંધ પછી એક વર્ષમાં જ પબિત્રાએ બે મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો છે. બાળકને જન્મ આપ્યા પછી બંને પોતાના લગ્ન અને બાળકના જન્મની નોંધણી કરાવવા માટે સરકારી કચેરીમાં પહોંચ્યા ત્યારે સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. આ સમાચાર ફેલાતાં હાલ તો અધિકારીઓથી માંડીને લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

રૂબી ઘાટી ગ્રામીણ નગર નિગમના ૫ નંબરના વોર્ડના પ્રમુખ ધીરજ તમાંગે જણાવ્યું કે, 'તેમના 'લગ્ન' અને બાળકના 'જન્મ'ની નોંધણી શકય નથી, કેમ કે બંને સગીર વયના છે.' તમાંગ સમુદાયની પ્રથા અનુસાર જો કોઈ છોકરો કોઈ છોકરીને પોતાની પત્ની માની લે છે તો પાછળથી તે તેની સાથે લગ્ન કરી શકે છે.

(2:48 pm IST)