Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મ્‍યાંમાર નેતા સૂ કીને વધુ ૪ વર્ષની જેલની સજા

સંયુક્‍ત રાષ્‍ટ્ર, યુરોપીય સંઘ અને યુકે સરકાર સહિત અનેક આંતરરાષ્‍ટ્રીય સંગઠનોએ કોર્ટના આ નિર્ણયની ટીકા કરી

નવી દિલ્‍હી,તા.૧૦: મ્‍યાંમારી કોર્ટે સોમવારે દેશના અપદસ્‍થ નેતા અને નોબેલ પુરસ્‍કાર વિજેતા આંગ સાન સૂ કીને ગેરકાયદેસર રીતે વોકી-ટોકી આયાત કરવાના અને રાખવાના ઉપરાંત કોરોના પ્રતિબંધોના ઉલ્લંઘન મામલે દોષી જણાયા બાદ વધુ ૪ વર્ષની જેલની સજા સંભળાવી છે. સૂ કી પર વોકી-ટોકી રાખવાનો આરોપ એ સમયે લાગ્‍યો હતો જ્‍યારે સૈનિકોએ ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ સૈન્‍ય તખ્‍તાપલટના દિવસે સૂ કીના આવાસ પર દરોડો પાડ્‍યો હતો. તે સમયે કથિત રીતે પ્રતિબંધિત ઉપકરણ મળી આવ્‍યું હતું.
સૂ કીની સરકારને જુંટા સૈનિકો દ્વારા બેદખલ કરવામાં આવી ત્‍યાર બાદ તરત જ મ્‍યાંમારમાં સૈન્‍ય શાસન વિરૂદ્ધ વ્‍યાપક વિરોધ જોવા મળ્‍યો અને ત્‍યાર બાદ સેનાઓ લોહીયાળ કાર્યવાહી શરૂ કરી દીધી. આ હિંસામાં અત્‍યાર સુધીમાં ૧,૫૦૦ લોકોના મોત થયા છે. સૂ કી પર આશરે એક ડઝન કેસ નોંધાયેલા છે જેમાં મહત્તમ ૧૦૦ વર્ષ કરતાં પણ વધારેની જેલની સજા છે.
લોકશાહીના સમર્થક નેતા સૂ કીને ૬ ડિસેમ્‍બરના રોજ બે અન્‍ય આરોપો- કોવિડ ૧૯ પ્રોટોકોલનું ઉલ્લંઘન અને લોકોને તેના ઉલ્લંઘન માટે ઉશ્‍કેરવા દોષી ઠેરવવામાં આવ્‍યા હતા અને ૪ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. સજા સંભળાવ્‍યા બાદ સૈન્‍ય સરકારના પ્રમુખે તેમની સજા અડધી કરી નાખી હતી. સેનાએ તેમને એક અજ્ઞાત સ્‍થળે રાખ્‍યા છે. સરકારી ટેલિવિઝનના સમાચાર પ્રમાણે તેઓ ત્‍યાં જ પોતાની સજા કાપશે.
આંગ સાન સૂ પર ભ્રષ્ટાચાર, સત્તાવાર ગ્રુપ અધિનિયમ ઉલ્લંઘન, દૂરસંચાર કાયદા અને કોરોના નિયમના ઉલ્લંઘન સહિતના અનેક આરોપો લાગેલા છે. જો કે, સૂ કીએ સેના દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોને નકારી દીધા છે. સંયુક્‍ત રાષ્‍ટ્ર, યુરોપીય સંઘ અને યુકે સરકાર સહિત અનેક આંતરરાષ્‍ટ્રીય સંગઠનોએ કોર્ટના આ નિર્ણય અને જેલની સજાની ટીકા કરી છે. તમામે આ કેસ રાજકારણથી પ્રેરિત હોવાનો આક્ષેપ મુકયો છે. કોર્ટના આ નિર્ણય બાદ મ્‍યાંમારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું કે, આંગ સાન સૂ કીને આપવામાં આવેલી સજાથી એ જાણવા મળે છે કે, કાયદાથી ઉપર કોઈ નથી અને સેના પ્રમુખે ફક્‍ત માનવતાના આધાર પર તેમની સજા ઘટાડી દીધી છે.


 

(4:13 pm IST)