Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગર્લફ્રેન્‍ડ માટે ગિફટ બનાવવા જતાં હાથનો અંગૂઠો કપાઇ ગયેલો, ડોકટરોએ પગની આંગળી કાપીને નવો અંગૂઠો બનાવી આપ્‍યો

ન્‍યુયોર્ક,તા.૯: કોઈને ભેટ આપવી હોય તો ખૂબ વિચારીને ઉપયોગી થાય એવી ભેટ પસંદ કરવામાં આવે છે અને એમાં પણ જો જાતે તૈયાર કરીને ભેટ આપવાની હોય તો જાણે કે ભેટમાં જીવ રેડાઈ જાય. અમેરિકાના મિશિગનમાં આવેલા કાર્સન શહેરમાં રહેતો એઇડન એડકિન્‍સ તેની ગર્લફ્રેન્‍ડને ભેટ આપવા માટે લાકડાની એક વસ્‍તુ તૈયાર કરી રહ્યો હતો. કરવતથી તે લાકડું કાપી રહ્યો હતો ત્‍યારે અચાનક તેણે પોતાનો અંગૂઠો જ કાપી નાખ્‍યો. પહેલી વારમાં તો તેને કપાયેલો અંગૂઠો લાકડાનો ટુકડો છે એમ સમજીને તેણે એ રૂમમાં ઉછાળીને ફેંકી દીધો, પણ પછી ખ્‍યાલ આવ્‍યો કે એ ટુકડો તો તેનો અંગૂઠો છે.

એઇડન એડકિન્‍સને તરત હોસ્‍પિટલ લઈ જવાયો. જો અંગૂઠો મળી જાત તો ડોક્‍ટરો સર્જરી કરીને એને પાછો જોડી શકત, પણ પરિવારજનોએ રૂમમાં એની બહુ શોધખોળ કરી જોઈ પણ કપાયેલો અંગૂઠો મળ્‍યો જ નહીં.

આપણા રોજનાં કામમાંનાં લગભગ અડધાં કામમાં અંગૂઠો મહત્ત્વનો છે. એમાં પાછું એઇડનને નિશાનબાજીનો શોખ પણ હતો. દરેક કામમાં અગવડ પડતી હોવાથી એઇડન એડકિન્‍સે લગભગ ચાર મહિના પછી નવો અંગૂઠો બેસાડવાનો નિર્ણય લીધો.  આ માટે ડોક્‍ટરોએ તેના પગની અંગૂઠા પછીની પહેલી આંગળી કાપીને હાથના અંગૂઠાને સ્‍થાને લગાવી દીધી. ૨૦ ઓગસ્‍ટે યુનિવર્સિટી ઓફ મિશિગન હોસ્‍પિટલમાં તેના હાથનો અંગૂઠો જોડવામાં આવ્‍યો. ઓપરેશન સફળ રહ્યું અને હવે તે સહેલાઈથી તેનો અંગૂઠો વાળીને ફરી ઉઠાવી શકે છે.

(4:33 pm IST)