Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ફેસબુકના કર્મચારીઓને વિવિધ દેશોની સ્થાનિક ભાષાની તાલીમ અપાશે

વાંધાજનક લખાણ ઓળખીને ફેસબુક તેને હટાવી દેશે

કોલંબો તા. ૯ : ફેસબુકના સ્ટાફને સ્થાનિક ભાષાનું વાંધાજનક લખાણ ઓળખી શકે તેવી તાલીમ આપવામાં આવશે. શ્રીલંકામાં થોડા સમય પહેલા રમખાણો થયા તે પાછળ ફેસબુકની વાંધાજનક પોસ્ટનો બહુ મોટો ફાળો હતો. એ પછી ફેસબુક સ્ટાફને સ્થાનિક ભાષા શીખવશે. ત્રણેક મહિના પહેલા શ્રીલંકામાં કોમી રમખાણો થયા હતા. તે વખતે ફેસબુકમાં ફરી રહેલી સામગ્રીએ વાતાવરણ તંગ બનાવ્યું હતું. એ પછી સરકારે થોડો વખત ફેસબુક ઉપર પ્રતિબંધ મૂકયો હતો. ફેસબુકે એ ઘટનામાંથી બોધપાઠ લઇને જાહેર કરી છે કે, ફેસબુકના સ્ટાફના સ્થાનિક ભાષાનું લખાણ ઓળખવાની તાલીમ અપાશે.

ફેસબુકના પ્રવકતા અમૃત આહુજાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, શ્રીલંકામાં કામ કરતા ફેસબુકના સ્ટાફને સિંહાલી ભાષાની તાલીમ અપાશે અને સિંહાલીભાષા જાણતા લોકોની ભરતી કરાશે. ફેસબુક પ્રવકતાને પૂછવામાં આવ્યુ ંહતું કે, કેટલા લોકોની ભરતી કરવામાં આવશે? તેણે એનો જવાબ ટાળ્યો હતો અને કહ્યું હતું કે એ અંગે હવે પછી સત્તાવાર જાહેરાત કરાશે.

(4:04 pm IST)