Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

OMG ! દરિયાઇ જીવ ખાવા જતાં મહિલાની જીભ 'ગર્ભવતી' બની

સીઓલ તા. ૯ : એક આઘાતજનક અને વિચિત્ર ઘટનામાં ૬૩ વર્ષીય મહિલાની જીભ એક દરિયાઇ જીવ આરોગ્યા બાદ 'ગર્ભવતી' બની ગઇ છે. આ પ્રાણીનું વીર્ય મહિલાના મોઢામાં રહી જતાં તેની જીભમાં વિચિત્ર પ્રકારની ગરબડ ઊભી થઇ હતી અને તેને દુખાવો ઉપડ્યો હતો. સાઉથ કોરિયાની મહિલાના મોઢામાં આ પ્રાણીએ વીર્ય છોડી દેતાં તેને દુખાવો ઉપડ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. તપાસ બાદ ડોકટરોને એ જાણીને આઘાત લાગ્યો કે તેમની જીભ અને પેઢામાં ૧૨ નાના, સફેદ રેટિંયાના આકારના બગ જેવા વીર્ય બેગ્સ મળી આવ્યા હતા.

આ વસ્તુને સ્કિવડ સ્પર્મેટોફોર્સ તરીકે ઓળખવામાં આવી છે, જે વીર્ય ધરાવતાં કેપ્સ્યુલ્સ છે અને આ વિચિત્ર કેસ જર્નલ ઓફ પેરાસિટોલોજીમાં પ્રકાશિત કરાયો છે. જર્નલમાં રિપોર્ટમાં જણાવાયું છે કે મહિલાએ તે પ્રાણીના આંતરિક ભાગોને દૂર કર્યા ન હતા અને તેને ખાધા પહેલા સહેજ બાફી નાખી હતી. એ દરમિયાન સ્પર્મેટોફોર્સ જીવિત અને સારી સ્થિતિમાં હતા.

 તેણે જેવો જ એક ટુકડો મોઢામાં મુકયો તે તરત જ તેને એવું લાગ્યું કે ઘણાં 'બગ્સ' તેની જીભને કરડી રહ્યા છે અને તેને તરત દુખાવો થવા લાગ્યો હતો. દુખાવો થતાં જ મહિલાએ ટુકડાને ગળવાને બદલે થૂંકી નાખી હતી. જોકે રિસર્ચર્સનું કહેવું છે કે સ્પર્મેટોફર્સ કેવીરીતે મહિલાના મોઢામાં તેમની જાતને ઇમ્પ્લાન્ટ કરી શકયા તે અંગે ખાતરીપૂર્વક કઇ કહી શકતા નથી. જોકે આ ઘટનાથી તેઓ પણ ઘણાં આઘાત અને આશ્ચર્યમાં છે.(૨૧.૩)

(9:55 am IST)