Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સઉદીમાં મહિલાઓને ૨૪મી જૂનથી ડ્રાઇવિંગ છૂટ મળશે

રિયાધ તા. ૯ : સઉદી અરેબિયાની મહિલાઓ ૨૪મી જૂનથી દેશમાં ડ્રાઇવીંગ કરી શકશે. ટ્રાફિક વિભાગના ડિરેકટર જનરલ મોહંમદ અલ-બસ્સામીએ જણાવ્યું હતું કે મહિલાઓ દેશમાં વાહન હંકારી શકે એ માટેના બધી જ જરૂરિયાતોની તૈયારી કરી લેવાઇ છે. સપ્ટેમ્બર, ૨૦૧૭માં શાહી આદેશમાં દાયકાઓ જૂના મહિલાઓ પર વાહન હંકારવાના પ્રતિબંધને રદ કરાયા હોવાની માહિતી જાહેર કરાઇ હતી. બસ્સામીએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષ કે એથી વધુ વયની મહિલાઓ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે.

રૂઢિચુસ્ત દેશના પાંચ શહેરમાં મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવા માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. વિદેશમાં લાઇસન્સ મેળવનાર સઉદીની મહિલાઓને આ શાળામાં શિક્ષિકા બનાવવામાં આવશે. વિદેશી લાઇસન્સ ધરાવતી મહિલાઓ પણ અન્ય પ્રક્રિયા દ્વારા દેશી લાઇસન્સ માટે અરજી કરી શકશે અને એ માટે એમની ડ્રાઇવિંગ કરવાની કુશળતા ચકાસવામાં આવશે.

(9:56 am IST)