Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભારતીય મૂળની મિસ ઇંગ્લેન્ડ-ર૦૧૯ તાજ છોડીને હોસ્પિટલમાં કોરોનાની ડયુટીએ લાગી

લંડન તા. ૯: નવ વર્ષની વયે કલકત્તાથી ઇંગ્લેન્ડ ગયેલી ભાષા મુખરજી ઓગસ્ટ, ર૦૧૯માં મિસ ઇંગ્લેન્ડ બની હતી. ડિસેમ્બર, ર૦૧૯માં યોજાનારી મિસ વર્લ્ડની સ્પર્ધા માટે તેણે તેની કારકિર્દીમાંથી ટૂંક સમયનો બ્રેક લીધો હતો. જોકે કોરોના વાયરસના પ્રસાર વચ્ચે તેણે જુનિયર ડોકટર તરીકેની તેના કાર્યભારને ફરી સંભાળવાનો નિર્ણય લીધો હતો.

બ્રિટિશ ઇન્ડિયન ભાષા મુખરજીને અનેક ચેરિટેબલ બનવા ઓફરો મળી રહી છે. આવી જ એક ઓફરના ભાગરૂપે કોવેન્ટ્રી મેર્સિયા લાયન્સ કલબની બ્રેન્ડ-એમ્બેસેડર તરીકે હાલમાં માર્ચ મહિનામાં જ કલકત્તાની ચાર અઠવાડિયાંની મુલાકાતે ગઇ હતી, પરંતુ કોરોનાના પ્રસાર વચ્ચે તેના દેશમાં પ્રવર્તતી સ્થિતિને જોતાં તેણે બધું જ છોડીને પોતાના દેશવાસીઓની સેવા કરવાનો નિર્ણય લીધો હતો.

શ્વસન સંબંધી દવાઓમાં સ્પેશ્યાલાઇઝેશન ધરાવતી ભાષાને ઇંગ્લેન્ડમાં પ્રવર્તતી સ્થિતિ વિશે જાણ કરતાં સહકર્મચારીઓના સંદેશા મળ્યા હતા. ત્યારબાદ તેણે હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાત કરી કામ પર પાછા ફરવાની ઇચ્છા વ્યકત કરી હતી.

લગભગ બે અઠવાડિયાં માટે આઇસોલેશનમાં રહી પોતાની તબિયત વિશે ચોકકસ થયા બાદ તે કોરોના પેશન્ટ માટે કામે લાગશે.

(11:26 am IST)