Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

દુનિયામાં ફેલાતી રહસ્‍યમય ફંગસની બિમારીઃ ઇલાજ ન હોવાથી ૯૦ દિવસમાં દર્દી મોતને ભેટે છે

નવી દિલ્હી :જ્યાં એક તરફ મેડિકલ અને સાયન્સની દુનિયા તેજીથી ફેલાઈ રહી છે, તો બીજી તરફ બીમારીઓ પણ પગપેસારો કરી રહી છે. હાલ સમગ્ર દુનિયામાં રહસ્યમયી ફંગસની બીમારી ફેલાઈ રહી છે. ડરવાની વાત તો એ છે કે, આ ફંગસનો કોઈ ઈલાજ નથી, ન તો મનુષ્યના મોત બાદ આ ફંગસ પૂરી રીતે ખતમ નાબૂદ થઈ જાય છે.

આંતરરાષ્ટ્રીય ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ફંગસનું નામ કેન્ડીડા ઓરિસ છે. તે વ્યક્તિના મર્યા બાદ પણ નાબૂદ થતો નથી. પરંતુ એક શરીરમાંથી બીજા શરીરમાં તેજીથી ફેલાય છે અને લોકોને પોતાની ઝપેટમાં લે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, કેન્ડીડા ઓરિસનો પહેલો દર્દી બ્રુકલીનમાં મળ્યો હતો. માઉન્સ સિનાઈ હોસ્પિટલ ફોર એબ્ડોમિનલ સર્જરી દરમિયાન એક વ્યક્તિના બ્લડ ટેસ્ટમાં આ વાત સામે આવી હતી કે, તે ફંગસથી પીડિત છે. જ્યારે ડોક્ટરોને તે કેન્ડીડા ઓરિસ હોવાનું માલૂમ પડ્યું, તેને તાત્કાલિક ઈન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યો. તેના બાદ આવા અનેક કેસ સામે આવ્યા.

રિપોર્ટ અનુસાર, યુએસ અને યુરોપ બાદ હવે આ ફંગસ ભારત, પાકિસ્તાન અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી આ ફંગસ સાથે જોડાયેલ કિસ્સાઓ સામે આવ્યા છે, તેમાં 90 દિવસની અંદર દર્દીનું મોત થઈ રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે, હોસ્પિટલમાં હાજર લોકો, ઉપકરણો સહિત અન્ય ચીજોના આયાત-નિકાસથી પણ આ ફંગસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.

ડોક્ટરોનું માનવુ છે કે, આ ફંગસ એ જ લોકોને શિકાર બનાવે છે, જેમની ઈમ્યુન સિસ્ટમ નબળી હોય છે. જોકે, તેના પર હજી કોઈ અન્ય જાણકારી મળી નથી.

ડો.સ્કોટ લોરિનનું કહેવુ છે કે, કેન્ડીડા ઓરિસ એટલુ ખતરનાક છે કે, તેના પર એન્ટીફંગલ મેડિકેશનની પણ કોઈ અસર થતી નથી. એક સમસ્યા એ પણ છે કે, લોકોને આ ફંગસ વિશે બહુ જ ઓછી માહિતી છે. કેમ કે, તેને ગુપ્ત રાખવામાં આવી છે. અત્યાર સુધી તેની દવા પણ બની નથી. તેથી કહેવાય છે કે, સરકાર પણ તેની જાહેરાત કરતા ડરે છે.

(4:44 pm IST)