Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

સ્માર્ટ પાયજામાને ઊંઘ સાથે શું સંબંધ છે?

નવી દિલ્હી તા. ૯ : માનવજીવનની આરામની પળો અને રાતની લટારની પળો લેંઘા અથવા પાયજામામાં પસાર થતી હોય છે. અલબત્ત આજે જીવન આરામપ્રિયની સાથે સાથે સ્માર્ટપ્રિય બની રહ્યું છે અને માનવી અને મશીનની વચ્ચે કોણ વધુ સ્માર્ટ બને એની હરીફાઇ થઇ રહી છે, એવું કયારેક લાગે છે. આજે આપણે આવા જ એક સ્માર્ટ પરિધાનની વાત કરવાની છે. તાજેતરમાં જ તમારી ઊંઘ પર ધ્યાન આપનારા સેન્સર બેસાડેલા સ્માર્ટ પાયજામા શોધવામાં સંશોધકોને સફળતા મળી છે.

આ પાયજામા આપણે ઊંઘીએ ત્યારે હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, ઊંઘમાં થનારી શરીરની હાલચાલ વગેરે પર ધ્યાન આપશે. આને કારણે માણસોની ઊંઘ સુધારવામાં નક્કી મદદ મળશે, એવો વિશ્વાસ સંશોધકોએ વ્યકત કર્યો હતો. અમેરિકાના મેસેચ્યુસેટ્સ વિદ્યાપીઠના સંશોધકોએ તૈયાર કરેલા કોટનના સ્માર્ટ પાયજામા તમને આરામદાયક ઊંઘ મળે એવો પ્રયત્ન કરશે. હાલના સમયના તાણયુકત જીવનને કારણે કે પછી માંદગીને કારણે માનવીનું ઊંઘવાનું ગણિત ખોરવાઇ ગયું છે. લોકોને પૂરતી ઊંઘ મળતી નથી. અડધી પડધી ઊંઘને કારણે માનસિક સ્વાસ્થ્ય અને નિર્ણયક્ષમતા પર પણ અસર પડે છે. આના ઉપાય તરીકે સ્માર્ટ પાયજામા તૈયાર કરવામાં આવ્યા છે. આ તૈયાર કરવા માટે ઘણા ટેકિનકલ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. દરરોજ કપડામાં નાના આકારના સેન્સિંગ ઘટક અને પોર્ટેબલ પાવર જોડ્યા બાદ કપડાનો આકાર, પોત, આરામદાયકપણું, સહજતા વગેરેમાં કયાંય ફરક ના પડે એની કાળજી લેવાની હતી, એવી માહિતી સંશોધકોની ટીમે આપી હતી.સ્માર્ટ પાયજામા તૈયાર કરવા માટે રિએકિટવ વેપર ડિપોઝિશન પ્રક્રિયા વાપરવામાં આવી છે, જેમાં પોલિમર સિંથેસાઇઝ કરવામાં આવે છે અને તેને વેપર ફેઝમાં કપડા પર મૂકવામાં આવે છે. આ રીતે ઇલેકટ્રોનિક કમ્પોનન્ટ તૈયાર થઇને તેનું રૂપાંતર ઇંટિગ્રેટેડ સેન્સર્સમાં થાય છે. પાયજામામાં પાંચ જગ્યાએ સેન્સર્સ હોય છે, જેને સિલ્વર પ્લેટેડ નાયલોન દોરાથી જોડવામાં આવે છે.

(3:39 pm IST)