Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જર્મનીમાં 25 શંકાસ્પદ ઉગ્રવાદીઓની અટકાયત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: જર્મનીના મોટાભાગના વિસ્તારોમાં બુધવારના રોજ હજારો પોલીસ અધિકારીઓએ કથિત રીતે સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ ઉગ્રવાદીઓ સામે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 25 લોકોની અટકાયત કરવામાં આવી છે. ફેડરલ પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે લગભગ 3,000 અધિકારીઓએ જર્મનીના 16માંથી 11 રાજ્યોમાં 130 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જસ્ટિસ મિનિસ્ટર માર્કો બુશમેને આ દરોડાને 'આતંક વિરોધી ઓપરેશન' ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એવી શંકા છે કે શંકાસ્પદોએ દેશની સંસ્થાઓએ પર સશસ્ત્ર હુમલાની યોજના બનાવી હતી. જર્મનીના ટોચના સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે જૂથ 'હિંસક બળવાની યોજનાઓ અને કાવતરાના સિદ્ધાંતોથી પ્રેરિત હતું.' જૂથના કેટલાક સભ્યોએ યુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલા જર્મનીના બંધારણને સ્વીકરવાનો ઈનકાર કર્યો હતો અને સરકારની હકાલપટ્ટીની હાકલ કરી હતી. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે 22 જર્મન નાગરિકોને 'આતંકવાદી સંગઠનના સભ્યો હોવા'ની શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અન્ય ત્રણ લોકોમાં એક રશિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે જેના પર સંગઠનની મદદ કરવાની શંકા છે. મળતી માહિતી મુજબ દક્ષિણ-પશ્ચિમ નગર કેલ્વમાં જર્મનીના સ્પેશિયલ ફોર્સ યુનિટ કેએસકેની બેરેકની પણ તપાસ કરવામાં આવી હતી.

(5:40 pm IST)