Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઇટાલી : ૧,૦૦૦ લોકોથી ખચાખચ ભરેલા નાઇટ કલબમાં દોડધામઃ ૬નાં મોત

કલબમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ ખૂબ જ સાંકડો હતો

નવી દિલ્હી તા. ૮ : ઈટલીની એક નાઈટ કલબમાં વહેલી સવારે દોડધામ થઈ જવાના કારણે છ લોકોના મોત થયા છે જયારે ૧૦૦ કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, કલબની અંદર કોઈએ પેપર સ્પ્રે (મરચાના સ્પ્રે)નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લોકો ડરના માર્યા ગભરાઈ ગયા જેના કારણે દોડધામ થઈ ગઈ. કલબમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ ખૂબ જ સાંકડો હતો. જેથી લોકોને બહાર નિકળવામાં પણ તકલીફ પડી રહી હતી.

એવામાં લોકો એક-બીજાને કચડીને બહાર નિકળવાની કોશિશ કરી રહ્યા હતા. આ કલબ એડ્રિયાટિક સાગરના તટ પર ઉત્તરી શહેર એંકોનામાં આવેલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલબમાં કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ફેસબૂક ઈવેન્ટ લિસ્ટ અનુસાર આ કલબના આ કાર્યક્રમમાં લગભગ ૧૩૪૦ લોકો હાજર રહેશે તેવી માહિતી હતી.

જો કે, હજી સુધી આ ઘટના ઘટી ત્યારે કલબમાં કેટલા લોકો હાજર હતા તે અંગે કોઈ માહિતી સ્પષ્ટ જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક અહેવાલો અનુસાર ઈટલીના રેપર સફેરા ઈબ્બસ્ટાની પર્ફોર્મન્સ જોવા માટે બ્લૂ લૈંટર્ન કલબમાં લગભગ ૧૦૦૦ લોકો આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના શનિવાર વહેલા સવારે ઘટી હતી.(૨૧.૨૮)

 

(4:19 pm IST)