Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઈરાનમાં અજીબોગરીબ નિયમો લાગુ : ટીવી પર સેન્ડવિચ કે પિઝા ખાતી નહીં દેખાય મહિલાઓ

તહેરાન,તા. ૮: ઈરાનમાં ટીવી પ્રસારણ માટેના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં અજીબો ગરીબ સૂચનાઓ આપવામાં આવી છે. નવા નિયમો પ્રમાણે મહિલાઓને હવે ટીવી પર પિઝા કે સેન્ડવીચ ખાતી નહીં બતાવી શકાય તેમજ મહિલાઓ ટીવી પરના દ્રશ્યમાં લેધર ગ્લોવ્ઝ પણ નહીં પહેરી શકે.

આ સિવાય પુરષોને મહિલાઓ ચા સર્વ કરતી પણ દર્શાવી નહીં શકાય. ઈરાનની બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ કહ્યુ છે કે, મહિલાઓ કોઈ પણ પ્રકારનુ લાલ રંગનુ ડ્રિન્ક પીતી પણ ટીવી પર નજરે નહીં ચડે. સાથે સાથે ઘરમાં પુરુષો અને મહિલાઓ એક સાથે દેખાતા હોય તેવા દ્રશ્યો પ્રસારિત કરતા પહેલા ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગની મંજૂરી પણ લેવી પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નવા નિયમો નિર્માતાઓને પણ જણાવી દેવામાં આવ્યા છે.

નવા નિયમો લાગુ થવાના કારણે હવે ટીવી શોના ઘણા નિર્માતાઓ તો મહિલાઓનો ચહેરો બતાવતા પણ કતરાઈ રહ્યા છે. એક ઈરાનિયન એકટ્રેસનો એક ટીવી શોમાં ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. જોકે આખા એપિસોડમાં તેનો અવાજ સંભળાયો હતો. નિર્માતાએ તેનો ચહેરો બતાવવાનુ જોખમ લીધુ નહોતુ.

(9:59 am IST)