Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

મગજના ગંભીર રોગથી અમેરિકામાં ૧૧ના મોત

મચ્છર જન્ય રોગ 'ઇઇઇ' વિષે જાણવા જેવું: માનવથી માનવ દ્વારા નથી ફેલાતાઃ ત્રીજા ભાગના દર્દીઓના જીવ જાય છે

ઇસ્ટર્ન ઇકવીન એન્સેફાલીટીઝ અથવા ઇઇઇ તરીકે ઓળખાતા અને ભાગ્યે જ થતા મગજના ગંભીર રોગના સામાન્ય રીતે અમેરીકામાં સાતેક કેસ વરસે નોંધાતા હોય છે. પણ આ વર્ષે અત્યાર સુધીમાં મચ્છર જન્ય આ ગંભીર બિમારીના ૩૦ કેસો નોંધાઇ ચુકયા છે જેમાંથી ૧૧ દરદીઓના મોત થયા છે.

ઇઇઇના લક્ષણો

ઇઇઇના વાયરસ ચેપી મચ્છરના ડંખ દ્વારા ફેલાય છે તે માનવથી માનવ દ્વારા નથી ફેલાતા. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર તેના શરૂઆતના લક્ષણોમાં માથું દુખવું, તાવ, ઠંડી લાગવી અને ઉલ્ટી થવી વગેરે હોય છે અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યા પછી મગજમાં સોજા, યાદદાસ્ત જતી રહેવી, તાણ આંચકી અને કોમાનો ભોગ પણ બને છે. સીડીસીના રીપોર્ટ અનુસાર ઇઇઇના ત્રીજા ભાગના દરદીઓ મૃત્યુ પામે છે.

ઇઇઇ કયાં વધારે થાય છે?

સીડીસીના રિપોર્ટ મુજબ આ રોગ મોટાભાગે એટલાન્ટીક અને ગલ્ફના કિનારાના દેશોમાં જોવા મળે છે જો કે તે બીજા પ્રદેશોમાં પણ જોવા મળે છે. આ વર્ષે તેના કેસ મીશીગન, ટેનેસી, નોર્થ કેરોલીના, મેશેચ્યુસેટસ, રહોડ આઇલેન્ડ, કનેકટીકટ અને ન્યુ જર્સીમાં નોંધાયા છે. રિપોર્ટ અનુસાર મીશીગનમાં ચાર તથા કનેકટીકટ અને મેસેચ્યુસેટસમાં ત્રણ ત્રણ લોકોના આ રોગથી મોત થયા છે. જયારે રહોડ આઇલેન્ડમાં એક વ્યકિતનું મોત થયું હતું.

ઇઇઇને રોકી શકાય?

સૌથી સારો અને સાદો આ રોગને રોકવાનો ઉપાય છે મચ્છરોના ડંખથી બચવા માટે ચામડી અને કપડા પર મોસ્કવીટો રીપેલન્ટ લગાડવું, બારી દરવાજા પર નેટ લગાડવી અને ફુલોના કુંડા, ડોલ, બેરલ વગેરેમાં પાણી જમા થતું રોકવું, આની કોઇ સારવાર નથી એટલે મચ્છરોના ડંખથી બચવું એ જ તેની દવા છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:28 pm IST)