Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

તમારા બ્‍લડ-પ્રેશર માટે જીવનશૈલીમાં શું બદલાવ કરવાની જરૂર છે એ બતાવતું મશીન શોધાયું

ન્‍યુયોર્ક તા. ૮ :.. સામાન્‍ય રીતે ડોકટર પાસે જાઓ અને બ્‍લડ-પ્રેસર નોર્મલ કરતાં ઊંચું આવે એટલે તરત જ તમને બ્‍લડ-પ્રેશર નોર્મલ કરવા માટેના સ્‍ટાન્‍ડર્ડ જીવનશૈલીના બદલાવો કરવાનું લિસ્‍ટ હાથમાં થમાવી દેવામાં આવે. આ લિસ્‍ટમાં તમારે કસરત કરવાની જરૂર છે, પરંતુ અને ગહેરી ઊંઘ લેવી જોઇએ, સોલ્‍ટ ઇનટેક ઘટાડવો જોઇએ, વજન ઘટાડવું જોઇએ જેવી સૂચનાઓ હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ઇલેકટ્રીલ એન્‍ડ કમ્‍પ્‍યુટર એન્‍જિનીયરીંગ વિભાગના ભારતીય મુળના પ્રોફેસરની ટીમનું કહેવું છે કે જયારે કોઇને એક સાથે જીવન શૈલીમાં આટલો બધો બદલાવ લાવવાનું કહેવામાં આવે ત્‍યારે દરદી માટે એને પ્રેકિટસમાં મુકવાનું અઘરું  થઇ પડે છે. પ્રોફેસર સુનિલ ડેનું કહેવું છે કે દરેક વ્‍યકિતના શરીરમાં હાઇપરટેન્‍શન  પેદા થવાનાં કારણો જૂદા હોય છે. આ કારણો મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા નિદાન કરવામાં આવે તો જે કારણો છે એમાં જ બદલાવ લાવીને તરત જ હાઇપરટેન્‍શન કન્‍ટ્રોલમાં લાવી શકાય છે. જો જીવન શૈલીનાં એક પરિવર્તન પર ફોકસ કરવામાં આવે તો વ્‍યકિત વધુ ચુસ્‍ત રહીને એને ફોલો કરી શકે છે. આ માટે નિષ્‍ણાતોની ટીમે પહેરી શકાય એવું મશીન લર્નિંગ ટૂલ તૈયાર કર્યુ છે. આ મશીન થોડાક દિવસ પહેરી રાખવાથી વ્‍યકિતગત ધોરણે શું હાઇપરટેન્‍શન માટે સૌથી વધુ જવાબદાર છે એ જાણી શકાય છે. અભ્‍યાસકર્તાઓએ ૯૦ દિવસ સુધી આઠ દરદીઓ પર પ્રયોગ કરીને તેમના માટે પર્સનલાઇઝડ ચેન્‍જ શું જરૂરી છે એ શોધ્‍યું હતું.

(12:40 pm IST)