Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ડિવોર્સની કાનૂની પ્રક્રિયા ઝડપી બને એ માટે દર ૧૦ માંથી ૩ યુગલ હળાહળ જૂઠું બોલે છે

કયારેક પતિ પત્‍ની પર અને કયારેક પત્‍ની પતિ પર એવા આરોપો ઊભા કરે છે જે હકીકતમાં કદી બન્‍યા જ નથી હોતા

નવી દિલ્‍હી તા.૮: લગ્ન કરી લેવાં સહેલાં છે, પરંતુ છુટાછેડા લેવા હોય તો લોઢાના ચણા ચાવવા પડે છે. ડિવોર્સ લેવા માટેની પ્રક્રિયામાં વકીલો અને કોર્ટની એટલીબધી ચંચુપાત થતી હોય છે કે યુગલ એ બધાનો તોડ ઝડપી આવે એ માટે છુટાછેડા માટેનાં ખોટાં કારણોની રજૂઆત કરવા લાગે છે. ઓસ્‍ટ્રેલિયાની સ્‍લેટર એન્‍ડ ગાર્ડન નામની લો-કંપનીએ કરેલા સર્વેમાં નોંધાયું છે કે દર દસ માંથી ત્રણ યુગલ જલદી છુટાછેડા થાય એ માટે એકબીજા પર ખોટા અને કદાચ કદીયે ન ઘટી હોય એવી ઘટનાઓના આરોપ લગાવે છે. દર સાતમાંથી એક મહિલા પતિ પર વ્‍યાભિચારનું ખોટું આળ લગાવે છે. દસમાંથી છસ્ત્રીઓ-પુરૂષો પાર્ટનરનું વર્તન અવાજબી હોવાનું ઠરાવે છે. જયારે પણ કોર્ટમાં યુગલોને છૂટા પડવાનું કારણ પૂછવામાં આવે છે ત્‍યારે દસમાંથી ત્રણ યુગલો ખોટું બોલે છે. કયારેક પતિ પત્‍ની પર અને કયારેક પત્‍ની પતિ પર એવા આરોપો ઊભા કરે છે જે હકીકતમાં કદી બન્‍યા જ નથી હોતા. કાનૂની રીતે જલદી છુટકારો મળે એ માટે સોૈથી મોટું જુઠ્ઠાણું તેઓ કેટલા સમયથી જુદા રહે છે એ બાબતનું હોય છે. દરેક દેશમાં છૂટા પડતા પહેલાં અલગ-અલગ સમયગાળા માટે બન્નેએ એકમેકથી અલગ રહેવાનું હોય છે. જયારે બન્ને પાત્રો છુટાછેડા ઇચ્‍છતાં હોય ત્‍યારે આ બાબતે સોૈથી વધુ જૂઠ કોર્ટમાં રજૂ થાય છે.

 સર્વે કરનારી ઓસ્‍ટ્રેલિયયન લો-કંપનીનું કહેવું છે કે ડિવોર્સ માટેનાં વાજબી કારણો જેને ગણવામાં આવ્‍યાં છે એવા આરોપોનો યુગલો જલદી છૂટા પડવા માટે હાથા તરીકે ઉપયોગ કરવા લાગ્‍યાં છે. કપલ વચ્‍ચેના મતભેદો હકીકતમાં કંઇક જુદા જ હોય છે જેને એડ્રેસ ન કરવા માટે આવા ‘વાજબી' ગણાતા આરોપોનો ડિવોર્સ મળે એ માટે આધાર લેવાય છે.

(9:50 am IST)