Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

અમેરિકા સાથે ટ્રેડ વોર છતાં ચીનના ફોરેકસ રિઝર્વમાં 3.50 અબજ ડોલરનો જંગી વધારો

બીજિંગ,:  અમેરિકા સાથેની ટ્રેડ વોર છતાં ઓગસ્ટમાં ચીનનું ફોરેકસ રિઝર્વ આશ્ચર્યકારક રીતે વધ્યું હતું. ગયા મહિનામાં યુઆનનો છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો જોવા મળ્યો હતો. ચીનનું ફોરેકસ રિઝર્વ જે વિશ્વનું સૌથી મોટું છે તે ઓગસ્ટમાં ૩.૫૦ અબજ ડોલર વધીને ૩.૧૦ ટ્રિલિયન ડોલર રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય ચૂકવણીમાં સ્થિર સમતુલા અને સ્થિર આર્થિક વૃદ્ધિને કારણે ઓગસ્ટમાં ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળ્યો છે એમ ચીનની કેન્દ્રીય બેન્ક દ્વારા જણાવાયું હતું. અમેરિકા સાથેની વેપાર તાણ છતાં ચીન કેપિટલ આઉટફલોઝને નિયંત્રણ હેઠળ રાખવામાં સફળ રહ્યું છે. ઓકટોબર ૨૦૧૮માં નીચી સપાટીએ પહોંચ્યા બાદ રિઝર્વમાં ફરી વધારો જોવા મળ્યો છે. ચીનના સ્ટોકસ તથા બોન્ડસમાં વિદેશી રોકાણમાં વધારાને કારણે રિઝર્વ ઊંચે ગયું છે.

ચીનનું ચલણ યુઆન ઓગસ્ટમાં ડોલર સામે ૩.૮૦ ટકા ઘટયું હતું. ૧૯૯૪ બાદ આ સૌથી મોટો માસિક ઘટાડો છે. અર્થતંત્ર પરના દબાણને ધ્યાનમાં રાખી ચીને શુક્રવારે બેન્કની રિઝર્વ આવશ્યકતા ઘટાડી હતી જેથી ધિરાણ માટે વધુ ભંડોળ છૂટું થઈ શકે.

૩૦ ઓગસ્ટના પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ ૪૪.૬૦ કરોડ ડોલર ઘટીને ૪૨૮.૬૦ અબજ ડોલર રહ્યું હતું. ફોરેન કરન્સી એસેટસમાં થયેલા ઘટાડાને કારણે આ સ્થિતિ જોવા મળી હતી. તે પહેલાના સપ્તાહમાં પણ રિઝર્વમાં ૧.૪૫ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો. દેશના મૂડી બજારમાંથી વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ પાછા ખેંચાવાને કારણે ફોરેકસ રિઝર્વ પર તેની અસર જોવા મળી રહી હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

૯ ઓગસ્ટના રોજ દેશનું ફોરેકસ રિઝર્વ ૪૩૦.૫૭ અબજ ડોલર સાથે અત્યારસુધીની ઊંચી સપાટીએ રહ્યું છે

(11:05 am IST)