Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રશિયા-યુક્રેનના યુદ્ધમાં યુરોપમાં સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ભારે નુકશાન પહોંચ્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: યુક્રેન પર રશિયાના આક્રમણના લગભગ સાડા પાંચ મહિનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું હોવાનો અને તેનાથી રેડિયેશનનું જોખમ ઊભું થયું હોવાનો દાવો કર્યો છે. આઈએઈએએ ચેતવણી આપતા રવિવારે કહ્યું કે, રશિયાએ શુક્રવારે ઝાપોરિજ્જિયામાં પરમાણુ પ્લાન્ટ પર કરેલો હુમલો આગ સાથે રમવા સમાન છે. આ હુમલામાં પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. જોકે, રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેને પ્લાન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. આંતર-રાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઈએઈએ)ના પ્રમુખ રાફેલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું છે કે રશિયાએ શુક્રવારે કરેલા હુમલામાં ઝાપોરિજ્જિયા સ્થિત યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટને ભારે નુકસાન થયું છે, જેનાથી આ વિસ્તારમાં રેડિયેશનનો ભય ફેલાયો છે. યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર રીએકટર ઉપર થયેલી બોમ્બ વર્ષાથી હું ઘણો ચિંતાતુર છું. તેનાં રેડિયેશનથી આસપાસના વિસ્તારનાં જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર પણ ભય ઉભો થયો છે.

(7:55 pm IST)