Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દુબઈએ ૪૫૦૦ ગાયો ખરીદી : દૂધ ઉત્પાદનનો પુરવઠો ખોરવાતા ઉરૂગ્વેથી જહાજમાં હોલ્સ્ટીન ગાયો મંગાવી

દુબઈ : સંયુકત અરબ અમીરાત (UAE) એ કોરોનાવાયરસ રોગચાળોને કારણે વૈશ્વિક ખાદ્ય પુરવઠો ખોરવાતા ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગરૂપે ઉરુગ્વેથી ૪,૫૦૦ ડેરી ગાયની આયાત કરી છે.

એક સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ૪,૫૦૦ હોલ્સ્ટીન ગાયની પ્રથમ ખેપ ઉરુગ્વેથી ખલિફા બંદરે આવી ગઈ છે. દૂધ ઉત્પાદન માટે હોલસ્ટીન ગાય શ્રેષ્ઠ જાતિઓમાંની એક છે. ખાદ્ય સુરક્ષા રાજય મંત્રી મરિયમ અલ્મહેરીએ કહ્યું, સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોને મજબૂત કરવા માટે આ એક આદર્શ પગલું છે.

મીડિયા રિપોર્ટ મુજબ હોલ્સ્ટીનઁ જાતિઓમાંથી ગાયોને ૪૦ દિવસથી ઓછા રિકોર્ડ સમયમાં ખલિફા પોર્ટ પર આયાત કરવામાં આવી. યુએઈ અને મોટાભાગના અન્ય ગલ્ફ દેશો મોટા પ્રમાણમાં ખોરાકની આયાત કરે છે કેમ કે ત્યાંના શુષ્ક વાતાવરણને કારણે પાક અને પશુધનની ખેતી કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત, તેઓ તેમની વસ્તી જાળવવા માટે તબીબી, ઉપભોકતા અને ઓદ્યોગિક ઉત્પાદનો માટે પણ વિદેશી પુરવઠા પર પણ નિર્ભર છે.

(11:40 am IST)