Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

૪૦ દિવસ આ પાળેલી બિલાડી બંધ ઘરમાં રહી અને બચ્ચાંને જન્મ પણ આપ્યો

બીજીંગ,તા.૮:ચીનના જે શહેરમાંથી કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો એ વુહાન શહેરમાં એક પાળેલી બિલાડી આઇસોલેશન અને કવોરન્ટીન દ્વારા કોરોનાથી બચવા માટે ઉદાહરણરૂપ બની છે. વુહાન શહેરના મોગી ઉપનગરમાં ચીની નૂતન વર્ષ ૨૫ જાન્યુઆરી પૂર્વ ૯ જણના એક કુટુંબનો કોરોના ઇન્ફેકશનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એ બધા સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યારે 'લે લે' નામની પાળેલી બિલાડી સગર્ભા હતી. એને સાચવવા માટે કોઈને પૈસા આપીને રાખવાને બદલે એ પ્રાણીને એકલું રાખવાનું વિચારીને ઘરમાં બધી સગવડ રાખી. લગભગ ૧૦ કિલો કેટ ફૂડનો થેલો ખુલ્લો રાખ્યો હતો. 'લે લે' એ થેલામાંથી ખાઈને ફિશ ટેન્કમાંથી પાણી પી લેતી હતી. એ બિલાડીને બચ્ચાં આવે તો માલિકણે ડિલિવરી પેડ પણ બનાવી રાખ્યું હતું. બાથરૂમમાં એક કેટ ટોઇલેટ હતું, જેનો ઉપયોગ એ હંમેશાં કરતી હતી એ પ્રમાણે કરતી રહી. પરિવારના સભ્યો કોરોનાની સારવાર પછી સાજા થઈને પાછા ઘરે પહોંચ્યા ત્યારે પાળેલી બિલાડી'લે લે'એ ચાર બચ્ચાંને જન્મ આપ્યો હતો. કુટુંબીજનોએ એ બચ્ચાંને 'શિયાઓહુ', 'હાનહાન', 'શિયાઓજા' અને   'યુયુ' નામ આપ્યાં. એ ચાર શબ્દોને સાથે મૂકતાં એનો અર્થ 'લડાયક વુહાન' એવો થાય છે. પરિવાર જયારે પાછો આવ્યો ત્યારે 'લે લે'નું વજન લગભગ અડધું થઈ ગયું હતું, પરંતુ એના બચ્ચાં સ્વસ્થ અને શકિતશાળી હતાં.

(11:44 am IST)