Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

હે ભગવાન....અમેરિકામાં ઇમરજન્સી સેવાઓમાં પડી રહી છે સ્ટાફની અછત

નવી દિલ્હી: યુરોપ અને અમેરિકા બાદ હવે ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 26.96 લાખ નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે અમેરિકામાં ફરી એકવાર સૌથી વધુ 8.49 લાખ, ફ્રાન્સમાં 3.28 લાખ, યુકેમાં 1.78 લાખ, ભારતમાં 1.41 લાખ, સ્પેનમાં 1.15 લાખ, આર્જેન્ટીનામાં 1.10 લાખ અને ઇટાલીમાં 1.08 લાખ કોરોનાના નવા કેસ મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6,369 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8.49 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 7 લાખ કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે હવે દેશમાં સરકારી કર્મચારીઓની અછત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ અનુસાર, કોરોના અને ઓમિક્રોનને કારણે દેશમાં વહિવટી માળખું નબળું પડવા લાગ્યું છે. પોલીસ, ફાયરબ્રિગેડ, બસ-ડ્રાઈવરો અને અન્ય જાહેર સેવાને ગંભીર અસર થઈ રહી છે. હવે અધિકારીઓની સામે સમસ્યા એ છે કે તેમણે લોકોને આવશ્યક સેવાઓ કેવી રીતે પહોંચાડવી. રિપોર્ટમાં ન્યૂયોર્કનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અહીં 6300 સબવે ઓપરેટરો અને કંડક્ટર છે, તેમાંથી 1300 કોરોના અથવા ઓમિક્રોનથી પોઝિટિવ છે, તેથી એની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

 

(5:26 pm IST)