Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ટ્રાવેલિંગ એકઝિબિશનમાં બે માથાવાળા સાપે જમાવ્યું આકર્ષણ

સ્વીટઝરલેન્ડ, તા.૮: તાજેતરમાં સ્વીટઝરલેન્ડના વિલેનીવ શહેરમાં હરતુંફરતું રેપ્ટાઇલ એકઝિબિશન શરૂ થયું છે. આવતા વર્ષની ત્રીજી માર્ચ સુધી ચાલનારી આ પ્રદર્શનીમાં લગભગ ૨૦૦ પ્રકારનાં સરીસૃપ પ્રાણીઓ જોવા મળી શકે એમ છે. એમાં કેલિફોર્નિયા કિંગ એવો બે માથાવાળો સાપ વિશેષ આકર્ષણ છે. બે માથાં હોવાથી એના બે નામ છે : ટોમ અને જેરી. આ સાપનો લુક ભલે ડરામણો હોય, પરંતુ એ માણસો માટે ખાસ ડેન્જરસ નથી. કેલિફોર્નિયન કિંગ સ્નેક મોટા ભાગે બીજા સાપોને આખેઆખા ગળી જતા હોય છે. રેટલસ્નેક જેવા ઝેરીલા સાપોના અત્યંત આકરા ઝેરની પણ એમને કોઇ અસર નથી થતી. ટોમ અને જેરી સ્નેક ઉપરાંત આ એકઝિબિશનમાં જાતજાતના કાચિંડાઓ પણ છે જે ખૂબ દૂર બેઠેલા શિકારને માત્ર જીભ લાંબી કરીને ચપેટમાં લઇ લેવામાં માહોર હોય છે.

(4:06 pm IST)