Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

નારાજ પત્નીને મનાવવા પતિએ છાતી પર ચીતરાવ્યું : હું જુઠ્ઠો અને દગાબાજ છું

લંડન તા.૮: લગ્ન કર્યા પછી જો બેમાંથી કોઇ એક વ્યકિત દગાબાજ નિકળે તો સંબંધને ફરીથી સાંધવો મુશ્કેલ છે. બ્રિટનમાં રહેતા જોસ ટેરેસ નામના યુવકના લગ્નજીવનમાં પોતાની દગાબાજીને કારણે તોફાન મચ્યું હતું. તેણે પત્નીને મનાવવાના જાતજાતના પ્રયોગો કર્યા, પણ સફળતા ન મળી. આખરે બીજી જાન્યુઆરીએ ભાઇએ પોતાની છાતી પર પોતાના ગુનાઓનું લિસ્ટ ટેટુની જેમ છૂંદાવીને પત્નીને માની જવા માટે વિનવણી કરી. આ ટેટૂની તસ્વીરો અને વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયાં છે. પોતાની  છાતી પર પત્નીને જાણે પત્ર લખતો હોય એમ લાંબી ટેકસ્ટ જોસભાઇએ ચીતરાવી છે. તેઓ લખે છે, 'હું જોસ ટેરેસ, બીજી જાન્યુઆરીએ મારી મરજીથી આ ટેટુ બનાવડાવી રહ્યો છું. હું મારી પત્ની પાસે પાછો જવા માંગું છું અને મારાં લગનમાં મારા કારણે તેને સહેવી પડેલી પીડા અને દર્દના બદલામાં હું આ કામ કરૂ છું.'

જોસે જે ટેટૂ-આર્ટિસ્ટને પસંદ કર્યો હતો તે અંગ્રેજી બરાબર જાણતો ન હોવાથી આ પત્રમાં સ્પેલીંગની એક -બે ભુલ પણ રહી ગઇ છે એ માટે પણ ઇન્ટરનેટ-યુઝર્સે ચટાકેદાર કમેન્ટ્સ કરીને મજા લઇ લીધી હતી. અલબત્ત, ટેટૂ આટલેથી અટકતું નથી. ભાઇએ પોતે કેવી-કેવી ભૂલો કરી છે એ પણ ટેટૂમાં વર્ણવ્યું છે. જોસે લખાવ્યું છે, ' હું જુઠ્ઠાડો છું, દગાબાજ અને ચાલબાજ છું, ધૂર્ત છું, સેકસ-વર્કર્સને પસંદ કરૂ છું, બેઇમાન છું અને સન્માન કરતો નથી.'

આ વિડિયો અને તસ્વીરો વાઇરલ થયા પછી જોસને માફ કરી દેવાની ભલામણ તેની પત્નીને ઘણાબધા લોકોએ કરી છે.

(3:36 pm IST)