Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

એર એશિયાએ પ્લેનમાં પીરસાતી ચીજોની રેસ્ટોરાં શરૂ કરી મલેશિયામાં

કુઆલાલ્પુરમ,તા.૭:સામાન્ય રીતે એર-ટ્રાવેલ દરમ્યાન એરલાઇન દ્વારા પીરસાતું ખાવાનું કંઈ ખાસ હેપનિંગ નથી હોતું. મોટા ભાગે લોકો એરપોર્ટ પર જ ખાઈ લેવાનું અથવા તો લેન્ડ થયા પછી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ એર એશિયા એરલાઇન્સ માને છે કે એમની ફ્લાઇટ્સમાં પીરસાતી વાનગીઓ લોકપ્રિય છે અને એને શહેરની રેસ્ટોરાંમાં ખાવા માટે રૂપિયા ખર્ચવા ઉત્સુક લોકો પણ છે. એશિયાની બજેટ એરલાઇન એર એશિયાની યોજના મુજબ આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ૧૦૦ કરતાં વધારે રેસ્ટોરાં ખોલવામાં આવશે. એ રેસ્ટોરાંમાં એર એશિયાની ફ્લાઇટ્સમાં પીરસાતી વાનગીઓ જ પીરસાશે. એર એશિયા જેને લોકપ્રિય વાનગીઓ ગણાવે છે એમાં નૂડલ્સ અને ગાર્લિક રાઇસ જેવી ગણીગાંઠી ચીજોને બાદ કરતાં મોટા ભાગે નોન-વેજ આઇટમો જ હોય છે.

એર એશિયાની પ્રથમ ગ્રાઉન્ડેડ રેસ્ટોરાં 'સન્ટેન' તાજેતરમાં મલેશિયાની રાજધાની કવાલા લમ્પુરના શોપિંગ મોલમાં ખૂલી છે. સરેરાશ દરેક ડિશ ત્રણેક ડોલર (લગભગ ૨૨૫ રૂપિયા)ની છે. આ રીતે ઇન ફ્લાઇટ ડિશને ગ્રાઉન્ડ પર લાવનારી પ્રથમ એરલાઇન એર એશિયા છે.

(3:47 pm IST)