Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

૧૪૦ રૂપિયાના દહીંના ચોરને પકડવા ૭૦૦૦ રૂપિયાની DNA ટેસ્ટ કરવામાં આવતાં પોલીસ પર પસ્તાળ પડી

લંડન, તા.૭: તાઇવાનના તાઇપેઇ શહેરમાં રહેતી એક સ્ટુડન્ટે પોલીસને ફરિયાદ કરી કે તેનું યોગર્ટ કોઇકે ચોરી લીધું છે. ચાઇનીઝ કલ્ચરલ યુનિવર્સિટીમાં ભણતી આ સ્ટુડન્ટ ભાડાના એક ઘરમાં પાંચ અન્ય સ્ટુડન્ટસ સાથે રહેતી હતી. જયારે આ છોકરીને ખબર પડી કે તેનું યોગર્ટ કોઇકે ચોરીને ખાઇ લીધું છે ત્યારે તેનો પિત્તો ગયો. તેણે ડસ્ટબિનમાંથી એ યોગર્ટનું ખાલી કન્ટેનર કાઢયું અને એ કોણે ખાધું છે એ જાણવા માટે બધી જ રૂમમેટસને પૂછયું. કોઇએ સ્વીકાર્યુ નહીં કે પોતે એ ચટ કરી નાખ્યું છે એટલે પેલી સ્ટુડન્ટને વધુ ગુસ્સો આવ્યો. તે એ યોગર્ટના ખાલી ડબ્બા સાથે પોલીસમાં ગઇ. યોગર્ટની કિંમત બે ડોલર એટલે કે લગભગ ૧૪૦  રૂપિયા જેટલી હતી, પરંતુ તેને કોઇ પણ હિસાબે આ દહીંનો ચોર પકડવો જ હતો. પોલીસે પણ આ કેસ સ્વીકાર્યો. કન્ટેનર ભીનું હોવાથી એના પરથી ફિન્ગરપ્રિન્ટ લઇ શકાય એમ નહોતી એટલે પોલીસે DNA ટેસ્ટ માટે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ લીધી. આ ટેસ્ટનો ખર્ચ ૯૮ ડોલર એટલે કે લગભગ ૭૦૦૦ રૂપિયા થયો. એ ટેસ્ટમાં ખબર પડી ગઇ કે કઇ રૂમમેટે દહીં ખાધું હતું. જોકે જયારે આ સ્ટુડન્ટે પોતે આ રીતે દહીંચોરને પકડયાની બડાશો સોશ્યલ મીડિયા પર હાંકવાનું શરૂ કર્યુ ત્યારે લોકોનો ગુસ્સો પોલીસ પર ફાટી નીકળ્યો. ૧૪૦ રૂપિયાની ચીજ માટે કરદાતાઓના ૭૦૦૦ રૂપિયા ખર્ચવા એ સરાસર વેડફાટ જ છે એવું લોકોનું કહેવું હતું.

(3:46 pm IST)