Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ઊંચાઈ પરથી નીચે પાણીમાં પડયા ૮ હાથીઃ એકબીજાને બચાવવાના પ્રયાસમાં ૬ના મોત

જયાં આ ઘટના ઘટી તે પાણીના ઝરણાને સ્થાનિક ભાષામાં 'નરકના ઝરણા'ના નામે ઓળખવામાં આવે છે

બેંગકોક, તા.૭: થાઈલેન્ડના ખાઓ આઈ નેશનલ પાર્કમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ત્યાં કેટલાંક હાથીઓ એક ઝરણામાં પડી જવાના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઘટના ત્યારે બની કે જયારે હાથીઓનું એક ટોળું જઈ રહ્યું હતું અને તેમાંથી મદનિયું ઊંચાઈ પરથી નીચે પડ્યું. તેને બચાવવાના પ્રયાસમાં એક બાદ એક ૬ હાથી નીચે પડી જવાના કારણે મૃત્યુ પામ્યા છે.

જયાં આ ઘટના ઘટી તે પાણીના ઝરણાને સ્થાનિક ભાષામાં 'નરકના ઝરણા'ના નામે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૯૨માં આ રીતે આઠ હાથીઓનું ટોળું આ જગ્યા પર ખતમ થઈ ગયું હતું.

થાઈલેન્ડના રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવન અને વન સંરક્ષણ વિભાગે જણાવ્યું કે શનિવારે બપોરે તેઓને આ વિશેની સૂચના મળી. આ વિભાગને જાણવા મળ્યું કે હાથીઓનું એક ટોળું ઝરણા પાસેથી પસાર થઈ રહેલા એક રસ્તા પાસે ઊભું છે. ત્યારબાદ કુલ ૬ હાથીના શબ ઝરણાના કિનારે જોવા મળ્યા.

ઘટનાસ્થળેથી બે હાથીઓને બચાવવામાં આવ્યા છે, તેઓની હાલત ગંભીર છે. આ હાથીઓની સામે જીવન જીવવામાં મુશ્કેલી જોવા મળી રહી છે કારણકે તેઓ તેમના ભોજન અને સુરક્ષા માટે ટોળા પર આધારિત હોય છે. બચેલા આ હાથીઓએ તેમનો પરિવાર ગુમાવ્યો છે. થાઈલેન્ડમાં આશરે ૭ હજાર હાથીઓ છે અને તે પૈકી અડધા કરતા ઓછા હાથી વનમાં ખુલ્લા રહે છે.

(10:01 am IST)