Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પ૧ વર્ષના દામ્પત્યજીવન બાદ આ યુગલ ૬ મિનિટના અંતરે મૃત્યુ પામ્યુ

ફલોરિડા તા. ૭ :.. સાથે જીવીશું, સાથે મરીશું એવું ઘણાં યુગલો કહેતાં હોય છે, પરંતુ ફલોરિડાનું એક યુગલ ખરેખર આ ઉકિતને સાચી કરી ગયું. લગભગ પ૧ વર્ષો સુધી પરસ્પર લગ્ન જીવનમાં સાથ નિભાવનારા આ યુગલને મૃત્યુ પણ અલગ કરી શકયું નહીં.

૭૪ વર્ષના સ્ટુઅર્ટ બેકર અને ૭ર વર્ષનાં અડ્રેઇન બેકરનાં લગ્ન પ૧ વર્ષ પહેલા થયા હતાં પણ તેમના અતૂટ બંધનને ગયા અઠવાડીયે તેમના પરિવારજનોએ પણ સ્વીકાયુંર્, જયારે કોરોના વાઇરસના ચેપને કારણે માત્ર છ જ મીનીટના અંતરે બન્ને જણ સ્વર્ગે સિધાવ્યાં.

આ યુગલના દીકરા બડીનું કહેવું હતું કે માર્ચ મહિનાના મધ્યમાં તેના મમ્મી - પપ્પાને તબીયત નાદુરસ્ત લાગતી હતી. થોડા દિવસ પછી તેમને હોમ કવોરન્ટીન રહેવા જણાવાયું હતું. ઘરમાં થોડા દિવસ રહ્યા બાદ તેના પિતાની તબીયત કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. જો કે તેની મમ્મીની તબીયત સારી હતી. હોસ્પિટલમાં ડોકટરોએ ચેકઅપ કરતાં પપ્પાને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યાનું નિદાન કરાયું.

બડીએ સાવચેતીના પગલારૂપે તેની મમ્મીનું પણ ચેકઅપ કરાવતાં તેમનો ઓકિસજનનો સ્તર ઘણો નીચો હોવાનું તથા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનું સુચન કરાયું. બન્નેનાં ઓર્ગન ફેલ થયા હોવાથી પરિવારે તેમને હોસ્પિસ કર સેન્ટરમાં રાખવાનો નિર્ણય લીધો. બન્ને એકબીજાની સાથે રહી શકે એટલે એક જ રૂમમાં બન્નેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા જયાં જસ્ટ છ મીનીટના અંતરે બન્નેનાં મૃત્યુ થયા હતાં.

(3:23 pm IST)