Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2024

સાઉદી અરબે પોતાની તાકાત બતાવી ઈઝરાયેલને આપી ચેતવણી

નવી દિલ્હી: સાઉદી અરબે ઈઝરાયલને ફરી એકવાર પોતાની તાકાત બતાવી દીધી છે. બેન્જામિન નેતન્યાહૂના દેશને ચેતવણી આપી દીધી છે કે જ્યાં સુધી એક સ્વતંત્ર રાષ્ટ્ર પેલેસ્ટાઈનની સ્થાપના નહીં કરાય ત્યાં સુધી સાઉદી અને ઈઝરાયલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો અસ્તિત્વમાં નહીં આવે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું કે રિયાધ પેલેસ્ટાઈનના લોકોને તેમના અધિકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે અમેરિકી સરકારને પણ સાઉદી અરબે તેની સ્થિતિથી વાકેફ કરાવતાં કહ્યું કે ઈઝરાયલ સાથે ત્યાં સુધી કોઈપણ પ્રકારના રાજદ્વારી સંબંધો નહીં રખાય જ્યાં સુધી પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા નહીં મળે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ મંગળવારે દાવો કર્યો હતો કે બાઈડન સરકારને એવી સકારાત્મક પ્રતિક્રિયા મળી છે કે સાઉદી અરબ અને ઈઝરાયલ સંબંધોને સામાન્ય કરવા વાતચીત ચાલુ રાખવાના ઈચ્છુક છે. જોકે હવે સાઉદીનું તાજેતરનું નિવેદન અમેરિકાની ટિપ્પણી બાદ આવતાં અમેરિકા માટે પણ આ નિર્ણય ઝટકો મનાઈ રહ્યો છે. સાઉદી અરબે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે હુમલા કરવાનું બંધ કરી દેવું જોઈએ અને તમામ ઈઝરાયલના કબજા હેઠળના વિસ્તારોમાંથી સૈન્યને પાછા બોલાવી લેવા જોઈએ. અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને પણ સોમવારે રિયાધમાં સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલામાન સાથે મુલાકાત કરી હતી.

 

(6:23 pm IST)