Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

દિવસમાં ૬ કલાક ઊભા રહેવાથી વજન જલદી ઉતરે છે...

પ્રતિ મિનિટ ૦.૧૫ કેલેરી ખર્ચાય છે

લંડન તા. ૭ : દુનિયાભરમાં આજકાલ લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે અને તેને ઘટાડવા માટે તેઓ રોજ કંઈક નવા ઉપાયો અપનાવે છે. જો તમે પણ એવા લોકોમાં આવતા હોવ, જેઓ વધુ મહેનત કર્યા વિના પોતાનું વજન ઓછું કરવા માગે છે, તો તમારા માટે એક ખુશખબર છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, બેસવાની જગ્યાએ જો તમે ઊભા રહો તો તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

હાલમાં જ એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, રોજ છ કલાક ઊભા રહીને કામ કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તે મુજબ જોઈએ તો જે લોકો સમય ન હોવાને કારણે અથવા તો અન્ય કોઈ કારણથી જિમ ન જઈ શકતા હોય કે કસરત ન કરી શકતા હોય, તેઓ ઊભા રહીને વજન ઓછું કરી શકે છે. યુરોપિયન જનરલ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દિવસમાં લગભગ છ કલાક સુધી ઊભા રહેવાથી તમારા વજનમાં ઝડપથી ઘટાડો થાય છે.

અમેરિકામાં માયો કિલનિકના ચીફ ઓફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી પ્રોફેસર ફ્રાન્સિસ્કો લોપેઝ જિમેનેજ કહે છે કે, 'ઊભા રહેવાથી વધુ કેલેરી બર્ન તો થાય જ છે, માંસપેશીઓની ગતિવિધિથી હાર્ટ એટેક, સ્ટ્રોકસ અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થઈ શકે છે. આથી ઊભા રહેવાનો ફાયદો એ વજન નિયંત્રિત કરતાં પણ વધુ છે.'

રિસર્ચર્સે જાણ્યું છે કે, ઊભા રહેવાથી બેસવાની સરખામણીએ પ્રતિ મિનિટ ૦.૧૫ કેલેરી વધુ ખર્ચ થાય છે. દિવસમાં લગભગ છ કલાક બેસી રહેવાને બદલે ઊભા રહેવાથી લગભગ ૬૫ કિલોગ્રામની વ્યકિતમાં છ કલાકમાં ૫૪ કેલરી વધુ ખર્ચ થાય છે.(૨૧.૧૧)

 

(10:24 am IST)