Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોરોના વાયરસના નવા વેરિએંટના સંક્રમણથી બચવા અમેરિકામાં વેક્સિનનો બુસ્ટર ડોઝ લેનારની સંખ્યામાં થયો વધારો

નવી દિલ્હી: કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન અમેરિકાના 16 રાજ્યમાં પ્રસરી ચૂક્યો છે. સંક્રમણના વધતા જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકામાં વેક્સિનનો પહેલો ડોઝ અને બૂસ્ટર ડોઝ લેનારાઓની સંખ્યા લગભગ 66% વધી ગઇ છે. અમેરિકાના સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ (સીડીસી)ના જણાવ્યાનુસાર છેલ્લા એક મહિનામાં રોજ લગભગ 9 લાખ ડોઝની માગની સરખામણીમાં હાલ રોજ લગભગ 15 લાખ વેક્સિનની માગ છે પણ અમેરિકામાં અન્ય એક સંકટ ઊભું થયું છે.

વેક્સિનેશન પ્રોગ્રામના સંચાલન માટે વર્કફોર્સની અછત છે. એવામાં મોટી સંખ્યામાં લોકો માટે બુકિંગ સ્લોટ જ નથી. જેમને સ્લોટ મળી રહ્યા છે તેમનું પણ લાંબું વેઇટિંગ લિસ્ટ છે. અમેરિકન ફાર્માસિસ્ટ એસિસોયેશનના પ્રમુખ માઇકલ રુટહોલ્જનું કહેવું છે કે લોકો વેક્સિનેશન સેન્ટર્સ પર લાંબી લાઇનો લગાવે છે પરંતુ તેમણે સમજવું જોઇએ કે અમારી પાસે મર્યાદિત સંસાધનો છે. વર્કફોર્સની અછતને કારણે આવનારા સમયમાં લોકોએ વેક્સિન માટે વધુ રાહ જોવી પડશે. અમેરિકામાં ઓમિક્રોનના કેસ મોટાભાગે દક્ષિણ આફ્રિકાથી આવેલા લોકોમાં જોવા મળ્યા છે.

(5:43 pm IST)