Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને 'પછાત વિકાસ'ના પુરાવા તરીકે ગણાવે છે

લંડન,તા.૬ : ટર્કીના દૂરના એકાંત વિસ્તારમાં ગંદા રસ્તા અને પથ્થરના ઘરમાં રહેતો એક પરિવાર હજી પણ માનવ ઉત્ક્રિાન્તનાં ૪૦ લાખ વર્ષ પહેલાંના યુગમાં જીવતો હોય એમ લાગે છે.

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને 'પછાત વિકાસ'ના પુરાવા તરીકે ગણાવે છે, કેમ કે આ પરિવારના અનેક સભ્યો ચાર પગે એટલે કે બે પગ સાથે હાથના પંજાનો ઉપયોગ કરીને ચાલે છે.

રેટિસ અને હાટિસ ઉલાસનાં કુલ ૧૯ બાળકોમાંથી પાંચ ભાઈ-બહેન ચાર પગે ભાંખોડિયા ભરીને ચાલે છે. અમેરિકી સૈન્યમાં સૈનિકનું ધૈર્ય અને સહનશીલતા માપવા માટે જે (બે હાથ અને બે પગનો ઉપયોગ કરીને ચાલવાનું) કામ સોંપવામાં આવે છે એ આ પરિવારના લોકો માટે જીવનની કડવી વાસ્તવિકતા છે. જોકે આપણા પૂર્વજો હાથનો ઉપયોગ કરીને ચાલતા હતા, પરંતુ આ ભાઈ-બહેનો તેમના હાથના પંજાનો ઉપયોગ કરીને ચાલતાં હોવાથી હાથના પંજાની ચામડી ઘણી કઠણ થઈ ગઈ છે.

આ ભાઈ-બહેનો પ્રત્યે ગ્રામવાસીઓના ભારે અપમાનજનક વર્તનને કારણે તેઓ શહેરથી દૂર એકાંત વિસ્તારમાં રહેવા આવી ગયાં હતાં. ગ્રામવાસીઓના આવા અનુચિત વર્તનને કારણે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવાનું જ છોડી દીધું, પણ પુરુષો કયારેક ઘરની જરૂરિયાત માટે ગામમાં જાય છે ખરા. આ જ કારણસર તેઓ સ્કૂલ ગયાં જ નથી. વર્ષો સુધી દુનિયાથી અલિપ્ત રહ્યા બાદ ૨૦૦૫માં એક ટર્કી પ્રોફેસરનાં પેપર્સ પરથી બ્રિટિશર્સને આ પરિવાર વિશે જાણ થઈ હતી.

(10:04 am IST)