Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રોજ ૧ કલાક હસવાથી ૪૦૦ કેલરી બળે છે!

અનેક બીમારીઓ દૂર રહે છે

હસવું ઘણા રોગોનો ઇલાજ છે. હાસ્ય આપણા શરીરના સ્નાયુઓ, આંખ, જડબું અને હદયની માંસપેશીઓને આરામ આપે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેંડના એક અભ્યાસ અનુસાર ખડખડાટ હસનારાઓનો રકત સંચાર ઘણો યોગ્ય હોય છે. ૧૦ મિનિટ સુધી ખડખડાટ હસવાથી ર કલાક સુધી દુખાવામાં રાહત મળી શકે છે. સાથે જ શરીરની રોગપ્રતિકારક શકિત પણ વધે છે. નિષ્ણાંતો જણાવે છે કે જે લોકો વધારે હસે છે તેઓ લાંબા સમય સુધી યુવાન દેખાય છે.

હસવાના ફાયદાઓ

(૧) આખો દિવસ સ્ફુર્ર્તિ : ફીઝીયોથેરાપિસ્ટ ડો. ઋષી કહે છે, '' જો સવારના સમયે હાસ્ય ધ્યાન યોગ કરવામાં આવે તો આખો દિવસ પ્રસન્નતા અને સ્ફુર્તિ રહે છે. આ યોગથી શરીરમાં કેટલાક હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જેનાથી ડાયાબીટીસ, પીઠદર્દ અને તણાવના દર્દીઓને ફાયદો થાય છે.

(ર) કેલરી ઘટે છેઃ  લાફીંગ એટલે કે હસવાને બેસ્ટ થેરાપી એમનેએમ નથી કહેવાતી. સ્ટ્રેસથી છુટકારો અપાવવાની સાથોસાથ ૧૦ મિનિટ હસવાથી ૨૦થી ૩૦ કેલરી બર્ન થાય છે. જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હો તો દિલ ખોલીને હસો.

(૩) સ્પોન્ડીલાઇટીસમાં આરામ : સ્પોન્ડીલાઇટીસ અથવા કમરદર્દ જેવી પીડાદાયક તકલીફોમાં આરામ માટે હસવુ એક પ્રભાવશાળી વિકલ્પ છે. ઘણા ડોકટરો લાફીંગ થેરપીની મદદથી દર્દીઓને આરામ પહોંચાડે છે.

(૪) રોગ પ્રતિરોધક તંત્ર મજબૂત : હસવાથી ઓકસીજન વધુ પ્રમાણમાં મળે છે. ઓકસીજનની હાજરીમાં કેન્સરના કોષો અને કેટલાય પ્રકારના હાનિકારક બેકટેરીયા તથા વાઇરસોનો નાશ થાય છે. તેના લીધે રોગ પ્રતિકારક તંત્ર મજબુત બને છે. ખરેખર તો હાસ્ય દરમ્યાન આપણે ઊંડા ઊંડા શ્વાસ લઇએ છીએ, જેનાથી શરીરમાં ઓકિસજનનો સંચાર યોગ્ય રીતે થાય છે જેના કારણે આપણે લાંબો સમય તાજામાજા રહીએ છીએ.

(પ) સ્ટ્રેસ દૂર થાય : હાસ્યમાં સ્ટ્રેસ, દર્દ અને ઝઘડો વગેરેને ખતમ કરવાની કમાલની શકિત હોય છે. ખૂલીને હસવાથી બધો તણાવ દૂર થાય છે. એટલે તણાવના કારણે ઉત્પન્ન થનારી શારીરિક તકલીફોથી બચી શકાય છે.(૧.૧૬)

(4:08 pm IST)