Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કરોડપતિ કંગાળ થઇ જતા વીસ વર્ષથી ટાપુ પર એકલો જ રહે છે

સીડની, તા., ૬: જુવાનીના સમયમાં ભરપુર સંપતીમાં આળોટી ચુકેલા ડેવીડ ગ્લેશીન નામના ભાઇ હાલમાં એક ટાપુ પર સાવ એકાંતવાળુ જીવન જીવી રહયા છે. તેમની પાસે છે માત્ર બે-ચાર પોતડીઓ અને એક ઝુંપડી. જાતે જ શાકભાજી ઉગાડીને અને ફીશીંગ કરીને પેટ ભરે છે અને આખો દિવસ ટાપુ પર પોતાના પાળેલા ડોગી સાથે અલગારી મસ્તીમાં ફરે છે. વાત એમ છે કે મૂળે ઓસ્ટ્રેલીયાના આ ભાઇ ૧૯૮૭ની સાલમાં ર૮.૪ મિલીયન ડોલરની સંપતી ધરાવતા હતા. શાનદાર બંગલો, લકઝરી ગાડીઓ, ખુબસુરત પત્ની અને પાણી માંગતા દુધ હાજર થાય એવી જાહોજલાલી હતી. પૈસા કમાવા તેમણે ખુબ મહેનત પણ કરેલી. પરંતુ એ વખતે ઓસ્ટ્રેલીયન સ્ટોક એકસચેન્જ ક્રેશ થઇ જતા તેમની સંપતિ અડધી થઇ ગઇ. બચેલી સંપતિ તેમની શોખીન પત્નીએ બેફામ ઉડાડી મારી. ૧૯૯૧માં આ ભાઇ કટોકટીભરી સ્થિતિમાં આવી ગયા. પત્નીએ બેફાક ખર્ચા કર્યા એનો આરોપ પણ ડેવીડ પર ઢોળ્યો. બે વર્ષમાં તો પૈસા સાવ જ ખાલી થઇ ગયા. દુનિયાથી કંટાળેલા ભાઇ ઓસ્ટ્રેલીયા પાસે આવેલા માનવરહિત  નાનકડા ટાપુ પર આવી પહોંચ્યા, બસ તેમણે એ પછી પોતાના ડોગી સાથે અહી જ રહેવાનું નક્કી કરી લીધું. માત્ર એક પોતડી વીંટાળીને તેઓ ટાપુ પરફરે છે. જાતે ખેતી કરીને અને માછલીઓ પકડીને ડોગી સાથે નિરાંતની જીંદગી માણે છે. તેમને ત્યાં કેટલીય સેલીબ્રીટીઓ અને રડયા ખડયા મુસાફરો મહેમાન બનીને આવી ચુકયા છે.

(4:07 pm IST)