Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

હવે કોમ્પ્યુટરને બાળક આવ્યું!

માણસે બનાવેલા લેટેસ્ટ ટેકનોલોજીના કોમ્પ્યુટરથી પણ આ બાળક વધુ હોંશીયાર : આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સીથી સજ્જ પહેલું સંતાન ગુગલ સુપર કોમ્પ્યુટરે બનાવ્યું

કેલીફોર્નીયા, તા., ૬:  અત્યાર સુધી તમે માણસો, જાનવરો અને અન્ય જીવોના બાળકો વિષે સાંભળ્યું હશે પરંતુ હવે મશીનોના બાળકો પણ આવવાવાળા દિવસોમાં હકિકત બનશે. આની શરૂઆત ગુગલના સુપર કોમ્પ્યુટરે કરી છે. સુપર કોમ્પ્યુટરે માણસના સહયોગ વગર આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) થી સજ્જ બાળક બનાવ્યું છે. આ ઇતિહાસનું પ્રથમ કોમ્પ્યુટર બાળક છે. કોમ્પ્યુટર પોતાના બાળકને માણસો જેમ શિક્ષાપાઠ આપે તેવી રીતે કોમ્પ્યુટર પણ આપે છે.

નેસનેટ નામનું આ એઆઇ બાળક ઓટોએમએલ નામના નેટવર્કમાં કામ કરે છે. આ એક રીતે જોઇએ તો તેનું ઘર ગણાય છે. તેને ગુગલ બ્રેઇને બનાવ્યું છે. આ ગુગલનું સુપર કોમ્પ્યુટર છે. ઉલ્લેખનીય છે કે નેસનેટ માણસોએ બનાવેલા એઆઇ કોમ્પ્યુટરથી ખુબ તેજ છે. તે માણસ, કાર, હેન્ડબેગ, ટ્રાફીક સીગ્નલ ઓળખવામાં તેના સાંપ્રત સમયના કોમ્પ્યુટર સાથીઓથી ઘણં આગળ છે. નેસનેટ રેનફોર્સમેન્ટ લર્નીગ અંતર્ગત પોતાના વાલી કોમ્પ્યુટરની સલાહ લે છે.

જાણકારોએ આ મુદ્દે અગાઉ પણ આગાહી કરી હતી. પાછલા મહિને ટેસ્લાના સીઇઓ એલન મસ્કએ રોબોટની બેક ફલીપ ઉપર કહયું હતું કે એઆઇના વિકાસને નિયંત્રીત કરવાની જરૂર છે. નહિ તો આ માણસો માટે સુખદ સપનારૂપ રહી જશે.

આ પ્રોગ્રામ બધા માટે ખુલ્લો છે. ગુગલે તેને ઓપનશોર્સમાં રાખ્યો છે જેને લઇને દુનિયાના દરેક હિસ્સાના પ્રોગ્રામરો પોતાની પ્રતિક્રિયા આપી શકે.

(4:03 pm IST)