Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગૂગલનો વધુ પડતો ઉપયોગ વિસ્મૃતિની સંભાવના વધારે

લંડન તા. ૬: આજની જનરેશન કોઇપણ માહિતી માટે તરત જ ગૂગલ સર્ચ કરવા માંડે છે. એને કારણે માહિતી જે વખતે જોઇતી હોય ત્યારે મળી જાય છે, પરંતુ હંમેશાં માહિતી આંગળીના ટેરવે અવેલેબલ રહેતી હોવાથી મગજની માહિતીને સંઘરવાની ક્ષમતા ઘટતી જાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝના નિષ્ણાતોનું કહેવું છે કે મગજને સ્વસ્થ રાખવું હોય તો એનો બને એટલો સારો ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે, પરંતુ ગુગલ જેવા ઇન્ટરનેટ સર્ચ એન્જિનો પર દરેક માહિતી માટે પરાવલંબી રહેવાથી મગજમાં માહિતીનો સંગ્રહ, પ્રોસેસિંગ અને રીકોલ કરવાની  ક્ષમતા ક્ષીણ થવા માંડે છે. જે લોકો કંઇપણ જાણવા માટે તરત જ ઓનલાઇન સર્ચ કરવા બેસી જાય છે તેઓ મોટા ભાગે એકની એક માહિતી વારંવાર સર્ચ કરતા હોય છે. એક વાર વાંચેલી ચીજો પણ તેઓ યાદ નથી કરતા, પરંતુ ફરીથી સર્ચ કરવાનું જ પ્રિફર કરે છે. ન્યુરોસાયન્ટિસ્ટો મગજની ક્ષમતા ક્ષીણ થવાનાં કારણોમાં ઓનલાઇન સર્ચને પણ બહુ મહત્વનું પરિબળ ગણે છે. ૧૯૯૦ કરતાં ર૦૧પમાં યાદશકિત ઘટીને ઓલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા જેવા સ્મૃતિભ્રંશ રોગો થવાનું પ્રમાણ બમણું થઇ ગયું છે એનું પ્રબળ કારણ ઓનલાઇન અવેલેબલ માહિતીનો વધુ પડતો ઉપયોગ છે.

(4:01 pm IST)