Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

હૃદયની ગંભીર બીમારીને કારણે આ ભાઇ ૯ વખત મરીને જીવતા થયા છે

ઓસ્ટ્રેલિયાથી હવે તેની મમ્મી જયારે ફોન કરે છે ત્યારે પૂછે છે કે તાજેતરમાં તું મર્યો તો નહોતોને?

લંડન તા. ૬ :.. મુળ ઓસ્ટ્રેલીયાના પણ હાલમાં લંડનમાં કામ માટે સેટ થયેલા ર૯ વર્ષના જેમી પુલને છેલ્લા નવ વર્ષમાં નવ વખત નવજીવન મળ્યું છે. વાત એમ છે કે તેને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી નામની હૃદય નબળું પાડતી બીમારી છે. એને કારણે થોડીક જ સ્ટ્રેસફુલ કન્ડીશનમાં તેના હૃદયની  ધડકનો બંધ થઇ જાય છે. દરેક વખતે તેને સીપીઆર આપીને હૃદયને ફરીથી ચાલતું કરવું પડે છે. પહેલી વાર તેને ર૦૦૯ માં કાર્ડીએક અરેસ્ટ આવેલો. એ વખતે ૪પ મીનીટ સુધી સીપીઆર આપવું પડેલું. ત્યારબાદ એક વીક તે કોમામાં રહ્યો અને પછી જીવતો થયો હતો. જો કે એ પછી તેના રોગનું નિદાન થઇ ગયું હોવાથી તેની સારવાર કરવાનું સરળ બનવા લાગ્યું. એમ છતાં છેલ્લા નવ વર્ષમાં તે અનેક વાર અચાનક હૃદય બંધ પડી જતાં મરી ગયો છે અને સીપીઆર દ્વારા જીવતો થયો છે. સ્ટ્રીટમાં ચાલતાં-ચાલતાં કઝિનના ઘરે, રેસ્ટોરામાં, ઓફીસમાં, એરપોર્ટ પર, ટ્રેડમીલ પર કસરત કરતાં કરતાં એમ અલગ-અલગ નવ વાર હૃદય બંધ થવાનો શિકાર બન્યો છે. જેમીનું કહેવું છે કે ઓસ્ટ્રેલીયાથી હવે તેની મમ્મી જયારે ફોન કરે છે ત્યારે પૂછે છે કે તાજેતરમાં તું મર્યો તો નહોતોને ?

ડોકટરોનું કહેવું છે કે આ કન્ડીશનમાં તેનું હૃદય હવે પાંચેક વર્ષથી વધુ નહી ખેંચે. જેટલા વધુ હૃદયરોગના હૂમલા તેના પર થશે એટલું ઝડપથી હૃદયના સ્નાયુઓ કડક અને જાડા થઇને ધબકવાની નિયમિતતા ગુમાવી બેસશે. ડોકટરોએ તેની છાતીમાં ખાસ પ્રકારનું ઇમ્પ્લાન્ટ લગાવ્યું છે. તેને કાર્ડીએક અરેસ્ટ આવે એટલે તરત જ આ ઇમ્પ્લાન્ટ એની મેળે તેને સીપીઆર જેવી ટ્રીટમેન્ટ આપી શકે છે અને તે એકલો હોય તો પણ એમાંથી ઊગરી જાય છે. (પ-૯)

 

(11:56 am IST)