Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

બે વર્ષના ટેણિયાએ પેરન્ટ્સની ૭૮,૦૦૦ રૂપિયાની બચતનું કતરણ કરી નાખ્યું

ન્યુયોર્ક તા.૬: અમેરિકાના યુટાહ રાજયના હોલાડે શહેરમાં રહેતા બેન અને જેકી બેલ્નેપ લગભગ છેલ્લા છ મહિનાથી બચત કરી રહ્યાં હતાં. તેમણે એક ખાસ ફુટબોલ ટુર્નામેન્ટ જોવા જવા માટે ટિકિટ ખરીદવી હતી જેના માટે તેમણે ૧૦૬૦ ડોલર એટલે કે આશરે ૭૮,૦૦૦ રૂપિયા બચાવીને એક કવરમાં સાચવીને મૂકેલાં. ગયા વીકએન્ડમાં બેને વધુ થોડાક ડોલર એમાં મુકવા માટે કવર શોધ્યું તો મળ્યું જ નહીં. તેણે જેકીને કહ્યું. બન્નેએ ચોતરફ કવર શોધવા માટે બધું ફેંદી માર્યુ, પણ કયાંય ડોલરની નોટોના અણસાર મળ્યા નહીં. એવામાં જેકીની નજર પેપરકાતરવાના મશીન પર પડી. કાગળ જાતે જ રીસાઇકલ કરવા માટે તેમણે નાનકડું પેપર-થ્રેડિંગ મશીન વસાવેલું. આ મશીનની અંદર ડબ્બામાં નજર કરી તો ચલણી નોટો કતરણ થઇને પડી હતી. બન્નેને તરત જ ખબર પડી ગઇ કે આ કારસ્તાન તેમના બે વર્ષના દીકરા લીઓનું જ હોવું જોઇએ. બેનનું કહેવું છે કે જયારે અમે ડોલર્સનું કતરણ થયેલું જોયું ત્યારે પાંચ મિનિટ માટે સ્તબ્ધ થઇને એકબીજાને જોતાં રહ્યાં. દીકરાને એકિટવિટી શીખવવા માટે બન્ને પેરેન્ટ્સ કયારેક નકામી પોસ્ટ, કાગળ અને રેપર્સ વગેરેનું કતરણ કરવા માટે આ કટિંગ મશીન વાપરતા હતા અને દિકરાને પણ એ જોવામાં રસ પડતો હતો. જો કે બંન્નેનું ધ્યાન ચુકવીને કયારે દિકરો ૭૮,૦૦૦ રૂપિયાની નોટોની ગેમ કરી ગયો એની તેમને પણ ખબર ન પડી. તેમણે નજીકની બેન્કમાં જઇને વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ આમાં કંઇ હેલ્પ કરી શકે તેમ નથી. જોકે આ નોટોની કતરણ તેઓ વોશિંગ્ટનમાં જયાં નોટો છપાય છે ત્યાં મોકલી આપે તો તેઓ કદાચ એ રકમ પાછી મળી શકે, પરંતુ એ માટે ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષ લાગી શકે છે.(૧.૪)

(10:00 am IST)