Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ચીને પાકિસ્તાનમાં બંકરો બાંધવાનું કામકાજ શરૂ કર્યું હોવાના સમાચાર

નવી દિલ્હી: ચીન પાડોશી દેશોમાં દબદબો વધારવા બેબાકળું થયું છે. તેના ભાગરૃપે ચીની આર્મીએ પાકિસ્તાનમાં મિસાઈલ બંકરો બાંધવાનું શરૃ કર્યું છે. ગુપ્તચર અહેવાલોમાં દાવો થયો હતો કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના એ તરફના હિસ્સામાં અને બલૂચિસ્તાનમાં લશ્કરી બાંધકામ શરૃ થયું છે, ભારતીય સૈન્ય એલર્ટ થઈને આ ગતિવિધિ પર નજર રાખશે. ચીનની મહાત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યેટિવ અંતર્ગત આવતો ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) હવે બંધ થાય તેવી શક્યતા છે. સીપીઈસીનું કામ અટકી પડયું છે. ખાસ તો બલૂચિસ્તાનમાં ભારે વિરોધના પગલે કામ અટકાવી દેવાની ફરજ પડી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માતબર ખર્ચ થયો હોવાથી હવે ચીને એના બદલે પાકિસ્તાન સૈન્ય માટે મિસાઈલ બંકરો બનાવવાનું શરૃ કર્યું છે. ગુપ્તચર અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંઘ પ્રાંત, બલૂચિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના કેટલાક હિસ્સામાં પહાડીઓ કોતરીને ચીન મિસાઈલો માટે બેઝ બનાવશે. ગુફામાં મિસાઈલો રાખવાથી પ્રાકૃતિક રીતે જ તેને રક્ષણ મળતું હોવાથી ચીને પાકિસ્તાની આર્મી માટે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ રીતે ચીને પાકિસ્તાનમાં પ્રભાવ યથાવત રાખવાની મથામણ શરૃ કરી છે. મિસાઈલ બંકરો બાંધીને ચીન એ બહાને ભારતની સરહદે પહોંચ વધારવા માગે છે.

(5:02 pm IST)