Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલ હુમલામાં હમાસના કમાન્ડર સહીત ચારના મૃત્યુ

નવી દિલ્હી  : ઈઝરાયેલના લશ્કરે ગાઝાપટ્ટીમાં એરસ્ટ્રાઈક કરી હતી. છેલ્લાં કેટલાય દિવસથી પેલેસ્ટાઈન સમર્થિત આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલના લશ્કર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. સતત સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલના સૈન્યએ ગાઝાપટ્ટી પર એરસ્ટ્રાઈક કરી હતી. એમાં હમાસનો લશ્કરી કમાન્ડર માર્યો ગયો હતો. આ હુમલામાં ચાર લોકોનાં મોત થયાનું પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અનેક લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં ૨૦ લાખ પેલેસ્ટાઈન નાગરિકો રહે છે. એ વિસ્તારમાં અવારનવાર બંને પક્ષે હુમલા થાય છે. ઈઝરાયેલના લશ્કરે આ સંઘર્ષને ધ્યાનમાં રાખીને દેશમાં વિશેષ સ્થિતિ જાહેર કરી છે. એના પરથી અટકળો લગાવવામાં આવી હતી કે હજુ પણ ઈઝરાયેલી સૈન્ય આ વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરશે. ઈઝરાયેલના સૈન્યએ કેવી રીતે હુમલો કર્યો તે બાબતે હજુ સુધી ખાસ સ્પષ્ટતા થઈ ન હતી, પરંતુ રોકેટથી હુમલો કર્યો હોવાની શક્યતા છે. ઈઝરાયેલની સરકારે ગાઝાપટ્ટી નજીકનો રસ્તો થોડા દિવસ પહેલાં જ બંધ કરી દીધો હતો અને ઈઝરાયેલી નાગરિકોને એ વિસ્તારમાં ન જવાની તાકીદ કરી હતી. એક સપ્તાહ પહેલાં હમાસ આતંકવાદીઓએ વેસ્ટ બેંકમાં હુમલો કર્યો હતો. એ પછી ઈઝરાયેલે પણ વળતો જવાબ આપ્યો હતો.

(5:01 pm IST)