Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

હવે નવી ટેકનોલોજીની મદદથી ૪૦ વર્ષની વયે પણ પ્રેગનેન્ટ થઇ રહી છે સ્ત્રીઓ

વર્કિંગ મહિલા માટે રામબાણ છે આ ટેકનોલોજી

નવી દિલ્હી તા. ૬ : માતા બનવાની ખુશી કોને ન હોય? પણ કરિયર અને અન્ય કારણોસર કયારેક મહિલાઓ ચિંતિત રહેતી હોય છે. જો કે મેડિકલ સાયન્સમાં મહિલાઓની આ સમસ્યાનો પણ તોળ શોધી કાઢ્યો છે. આસિસ્ટેડ રિપ્રોડ્યૂકિટવ ટેકનોલોજી (ART) દ્વારા તમે ઈચ્છો ત્યાં સુધી મધરહુડને હોલ્ડ પર રાખી શકો છે અને બાદમાં ઈચ્છો ત્યારે માતૃત્વ ધારણ કરી શકો છો. બેંગ્લોરની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતાં ૩૩ વર્ષીય વકીલ માન્યા કપિલે તાજેતરમાં જ એક પ્રાઈવેટ કિલનિકમાં તેના ગર્ભને ફ્રોઝન કરાવ્યું હતું.

વ્યંધત્વથી પીડાતા કપલ્સ દ્વારા ART, એગ ફ્રિઝિંગ, IVF અને સરોગસી જેવા વિકલ્પોને ખોળવામાં આવતા હોય છે. પરંતુ હવે સ્વસ્થ મહિલાઓને પણ કોઈ અંગત કે પ્રોફેશનલ કારણસર માતૃત્વને હોલ્ડ પર મૂકવા માટે ARTની જરૂર પડી રહી છે. માન્યા કપિલ માટે માતૃત્વ હોલ્ડ પર મૂકવાનું કારણ હતું પ્રમોશન તો અન્યો માટે યોગ્ય પાર્ટનરની રાહ જોઈ રહ્યા હોવાનું પણ કારણ હોય શકે છે. ડો. મનિષ બેન્કરે કહ્યું કે, 'ARTની માંગણી કરતા લોકોનો સમૂહ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં એગ ફ્રોઝિંગ કરાવતા લોકોમાં રાફડો ફાટી નીકળશે.' ડો. મનિષ બેન્કરને ત્યાં મહિનામાં આવાં બે પેશન્ટ મુલાકાત લે છે.

મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતાં ૨૮ વર્ષનાં લિપિકા શર્માએ કહ્યું કે, એગ્સ ફ્રોઝિંગથી તેના એગમાં ઘટાડો નથી થયો પણ તેને થોડો આરામ મળ્યો. 'આ નોકરી ચાલુ છે તેવામાં મારા માટે પરિવાર શરૂ કરવો અઘરું હતું. પરંતુ મોટી ઉંમરે પણ હું માતૃત્વ ધારણ કરી શકું છું તે જાણ્યા બાદ હવે મને થોડી નિરાંત થઈ છે.'

દિલ્હીના IVF સ્પેશિયાલિસ્ટ ડો. સોનિયા મલિકનું કહ્યું કે, 'હું નથી ઈચ્છતી કે મહિલાઓ આગળ આવીને પોતાની લાઈફને મેનેજ કરવા માટે આ તક અપનાવે. આદર્શ રીતે માતૃત્વમાં મોડું ન કરવું જોઈએ.' આ ખાસ કરીને ભારતીય મહિલાઓ માટે સાચું છે કેમ કે તેઓ અન્યોની સરખામણીએ વહેલી મોનોપોઝ સુધી પહોંચે છે. સરેરાશ ૪૭ વર્ષ સુધીમાં ભારતીય મહિલાઓએ માતૃત્વ ધારણ કરી લેવું જોઈએ જયારે કોકેશિયન લોકોમાં આ સમયગાળો ૫૨ વર્ષનો હોય છે. ડો. સોનિકા મલિકે કહ્યું કે 'જો કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે શ્રેષ્ઠ છે.'

આજકાલ સેલિબ્સ પણ આ ટ્રીટમેન્ટનો સહારો લઈ રહ્યા છે. આ ટ્રીટમેન્ટની મદદથી ફિલ્મ મેકર ફરાહ ખાનને ૪૩ વર્ષની ઉંમરે ૩ બાળકોને જન્મ આપ્યો જયારે પૂર્વ બ્યૂટિ કિવન ડાયેના હેડેને આઠ વર્ષ પહેલાં એગ ફ્રોઝન કરાવીને ૨૦૧૬માં બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અમેરિકામાં હોલીવુડ અભિનેત્રી હેલ બેરીએ ૪૧ વર્ષની ઉંમરે પહેલાં બાળકને જન્મ આપ્યો હતો અને ૪૭ વર્ષની ઉંમરે આ ટ્રીટમેન્ટની મદદથી બીજાં બાળકને જન્મ આપ્યો હતો.

ડોકટર્સનું કહેવું છે કે અન્ય ટ્રીટમેન્ટ કરતાં એગ ફ્રિઝિંગ શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ છે કેમ કે આમાં પ્રેગ્નન્સીના ચાન્સ વધુ રહેતા હોય છે. ડો. સાનિકા મલિકે કહ્યું કે મોટા ભાગની યુવતીઓ ૩૦ વર્ષની ઉંમર પછી એગ ફ્રિઝિંગ માટે આવતી હોય છે ત્યારે અમારે તેમને નિરાશ કરવાં પડે છે. એગ ફ્રિઝિંગ માટેનો યોગ્ય સમયગાળો ૨૦થી ૩૦ વર્ષનો છો. કેટલીક મહિલાઓ બાયોલોજિકલ બાળકને જન્મ આપવા ન માંગતી હોવાથી પણ આ ટ્રીટમેન્ટનો સહારો લેતી હોય છે.(૨૧.૯)

(11:48 am IST)