Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

એવું સેટિંગ કર્યુ કે એક કમાન્ડ પર ગૂગલ અસિસ્ટન્ટે ગોળી છોડી

નવી દિલ્હી તા. ૬ :.. તમારી સાથે જાતજાતની વાતો કરતું ગૂગલ અસિસ્ટન્ટ કયારેક જીવનું જોખમ પણ પેદા કરી શકે છે એનો ખ્યાલ કદાચ ગૂગલ અસિસ્ટન્ટ સ્પીકર બનાવનારને પણ નહીં હોય. મોટા ભાગે આ અસિસ્ટન્ટ લાઇટસ ઓન-ઓફ કરવી. કામો રીમાઇન્ડ કરવા અમુક ભાષાની કોપી કરવી, નિશ્ચિત સેટિંગ મુજબ તમારા વતી લોકોને પ્રતિભાવ આપવા જેવા કામો કરે છે. જો કે એલેકઝાન્ડર રેબેન નામના એક કલાકારે ગુગલ અસિસ્ટન્ટ સાથે એવો એકસપરિમેન્ટ  કર્યો છે જે લોકો માટે ખતરનાક નીવડી શકે છે. તેણે ગૂગલ અસિસ્ટન્ટને ચોકકસ કમાન્ડ  આપીને એને બંદૂકથી ગોળી ચલાવતાં શીખવી દીધું. એલેકઝાન્ડર રેબેને આ ઘટનાનો વિડીયો પણ રેકોર્ડ કર્યો છે. અને યુટયુબ પર અપલોડ કર્યો છે. ૩૦ સેકન્ડના વિડીયોમાં તે ઓર્ડર આપે છે. 'ઓકે ગુગલ, એકિટવ ગન.' એટલે એક સેકન્ડ પછી અસીસ્ટન્ટ 'શ્યોર, ટર્નિંગ ઓન ધ ગન' કહીને ફાયર કરી દે છે. એલેકઝાન્ડરે આ પ્રયોગ એક સફરજન સામે રાખીને કર્યો હતો. ભલે ગોળીથી સફરજનની સાઇડની છાલ જ નીકળી હતી, પરંતુ આ પ્રયોગ નવી  ટેકનોલોજીથી સલામતી કેવી રીતે જાળવવી એનો  મોટો પ્રશ્નાર્થ ખડો કરે છે.

(4:06 pm IST)