Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કોરોના કાળમાં દેશમાં લાખો પરિવારના સભ્યોની નોકરી છીનવાઈ જતા 13 લાખ કરોડની આવક ગૂમ.....

નવી દિલ્હી; કોરોનાકાળમાં દેશમાં લાખો પરિવારોએ નોકરી છીનવાઈ જવાથી જંગી રૂ. ૧૩ લાખ કરોડની આવક ગુમાવી હતી. આ સાથે રિપોર્ટમાં વર્ષ ૨૦૨૧ના મધ્યમાં અર્થતંત્રમાં મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તન્વી જૈનના નેતૃત્વમાં યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧ના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિમાં જોવા મળેલી તેજીને અર્થશાસ્ત્રીઓ સકારાત્મક આશ્ચર્ય ગણાવ્યું હતું. જોકે, રિપોર્ટ મુજબ તાજેતરના મહિનાઓમાં કોરોનાકાળમાં નોકરી ગુમાવનારા લોકોની વપરાશ માગ ઘટવાની સંભાવના છે. તેથી ૨૦૨૧ના મધ્ય પછી અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે.

          ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી માઈનસ ૭.૫ ટકા રહ્યો હતો જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં પહેલા ક્વાર્ટરમાં માઈનસ ૨૩.૯ ટકાની સરખામણીમાં ૪૦ બેસીસ પોઈન્ટની વૃદ્ધિ જોવા મળી હતી. આમ, બીજા અને ત્રીજા ત્રિમાસિક સમયમાં અર્થતંત્રના સુધારામાં સ્થિરતા જોવા મળી હતી. વધુમાં વૃદ્ધિની સંભાવના નવા રોકાણોના પુનર્ગઠન અને નાણાકીય ક્ષેત્ર પરનું દબાણ હળવું થવા પર છે.

(5:33 pm IST)